(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૩
પોેલિસ્ટર કાપડ માટે જાણીતા સુરતના કાપડ ઉદ્યોગકારો હવે બનારસી હેન્ડલૂમ જેવી સાડીઓ પણ બનાવી રહ્યાં છે. આગામી દિવસોમાં તહેવારો અને ત્યારબાદ લગ્નસરાની મોસમ હોવાથી કાપડ માર્કેટમાં સુરતની હેન્ડવર્કની સાડીઓની સારી ડિમાંડ થઇ રહી છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઉદ્યોગકારો છેલ્લા એક વર્ષથી સુરતમાં કલર્ડ ડાઈંગ યાર્ન પર મઉ અને બનારસમાં તૈયાર કરવામાં આવથી હેન્ડવર્કની આબેહૂબ સાડીઓ તૈયાર કરી રહ્યાં છે. પોલીસ્ટર અને વિસ્કોલ ફ્લેન્ડેડ યાર્ન પર તૈયાર કરવામાં આવતી આ સાડીઓનું લુક કોટન સાડીઓની જેમ હોય છે. ૨૦૦ રૂપિયાની કિંમતથી શરૂ થતી આ સાડીઓની હાલ દેશના તમામ ખૂણેથી વેપારીઓ ડિમાંડ કરી રહ્યં છે. કલર્ડ યાર્ન પર તૈયાર કરવામાં આવતી આ સાડીઓને ડાઇંગ અને પ્રિન્ટ કરવાની જરૂર પડતી નથી. કાપડ વેપારીઓનું કહેવું છે કે, છેલ્લા છ મહિનાથી આવી સાડીઓ માટે મોટા પાયે ઓર્ડર મળી રહ્યાં છે. બજારમાં હાલ વેચાઇ રહેલી તમામ સાડીઓમાં આશરે ૨૫ ટકા જેટળો હિસ્સો કલર્ડ યાર્ન પર બનાવવામાં આવેલી સાડીઓનો છે. આગામી દિવસોમાં પણ સાડીઓની સારી ડિમાંડ હોવાથી કેટલાક વેપારીઓ હવે પારંપરિક રીતે તૈયાર કરવામાં આવતી સાડીઓને બદલી આવી સાડીઓના ઉત્પાદન તરફ વળી ગયા છે. ઉલ્લેખનિય છે કે, પારંપરિક સાડી અને ડ્રેસ મટીરિયલ્સના વેચાણમાં ધટાડો થતા સુરતના ઉદ્યોગકારો હવે વેલ્વેટ, જીન્સ કાપડનું ઉત્પાદન પણ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી સુરતના કાપડ ઉદ્યાગકારો દ્વારા કરવામાં આવી રહેલા ક્રિએશનને લીધે સુરતના કાપડ ઉદ્યોગ ટકી રહ્યો છે. જોકે, હજી પણ મોટાભાગના કાપડ ઉદ્યોગકારો પારંપરિક રીતે તૈયાર કરવામાં આવતી સાડી અને ડ્રેસનું ઉત્પાદન કરે છે. પરંતુ જો તેમને સફળ થવું હોય તો ક્રિએશન તરફ વળવું પડશે તેવું મોટાભાગના ઉદ્યોગકારોનું માનવું છે.