(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૮
૧૧ વર્ષની નાની વયે કરંટ લાગવાથી બંને હાથ અને પગ ગુમાવનાર વડોદરાના બરાનપુરા વિસ્તારમાં રહેતા સફાઇ કામદારના પુત્રએ ધોરણ-૧૦ ની પરીક્ષામાં ૯૮.૫૩ પર્સન્ટાઇલ મેળવ્યા છે. તેજસ્વી બાળકે રાઇટરની મદદ લીધા વિના હાથમાં પહેરેલ મોજામાં પેન અટકાવી પરીક્ષા આપી હતી.
વડોદરાના બરાનપુરા વિસ્તારમાં વિજયનગરમાં રહેતા શિવમ સોલંકીની શહેરભરમાં ભારે ચર્ચા ફેલાઇ છે અને તેની હિમ્મતનાં લોકો વખાણ કરી રહ્યાં છે. શિવમ સોલંકી આ વર્ષે ધોરણ-૧૦ની પરીક્ષા આપી હતી. જેમાં તેણે ૯૮.૫૩ પર્સેન્ટાઇલ (૮૮.૮૩ ટકા) મેળવ્યા છે. જોકે તેનું આ પરિણામ સામાન્ય વિદ્યાર્થી કરતાં એટલા માટે ચર્ચામાં છે કે શિવમે ૧૧ વર્ષની વયે તેના બંને હાથ પગ ગુમાવ્યા હતા. અને પરીક્ષામાં રાઇટરની સહાય વિના તેણે આવા સારા માર્કસ મેળવ્યા છે. શિવમ સોલંકીનાં પરિવારમાં માતા હંસાબેન અને પિતા મુકેશભાઇ છે.
માતા હંસાબેન અને પિતા મુકેશભાઇ વોર્ડ નં.૩ માં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવે છે. તેઓના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૧૧માં શિવમ પતંગ ઉતારવા જતા તેને કરંટ લાગ્યો હતો. જેમાં તેણે હાથ-પગ ગુમાવ્યા હતા. જોકે તેમના એકના એક પુત્ર પર આવી પડેલી અણધારી આફતમાં તેઓ નાસીપાસ થયા ન હતા. અને શિવમને હિંમત આપી હતી. શિવમ પણ સમજુ છે અને તેણે પણ પોતાના શરીરને કમજોરી ન બનાવી હિંમતભેર આગળ વધવાની શરૂઆત કરી. તેણે તેના કોણી સુધીના હાથમાં મોજા પહેરી તેમાં પેન ફસાવી લખવાની પ્રેકિટસ શરૂ કરી અને કહેવાય છે કે જે મહેનત કરે છે તેને સફળતા અવશ્ય મળે છે. તેમ શિવમે પણ ધોરણ-૧૦ ની પરીક્ષા આપી રાઇટરની મદદ લીધા વિના અને પરિણામ ૯૮.૫૩ પર્સેન્ટાઇલ (૮૮.૮૩ ટકા) મેળવ્યા. પુત્રની મહેનતથી આવેલા પરિણામથી માતા હંસાબેન અને પિતા મુકેશભાઇને શિવમ પર ગર્વ છે. અને શિવમનાં ઘરે તેના સગા-સંબંધીઓ પણ શુભેચ્છા આપવા પહોંચી રહ્યા છે. શિવમને તેની ઇચ્છા વિશે પૂછતા તેણે જણાવ્યું હતું કે, તે ડોકટર બનવા ઇચ્છે છે અને તેના કારણે આગળ તે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરશે.