(સંવાદદાતા દ્વારા) સુરત તા.૨૪
હાડકાની ગંભીર બીમારીથી પીડાતી ભાવનગરની પ્રૌઢાની જટિલ સર્જરીનું સુરત સિવિલ હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરાયું છે. લોહીમાં કેલ્શિયમનું પ્રમાણ વધી જાય અને હાડકામાં કેલ્શિયમનું પ્રમાણ ઘટી જાય ત્યારે હાઇપરપેરાથાઇરોઇડીસમ નામની બીમારી થતી હોવાનું સિવિલ હોસ્પિટલના ડૉ.દિવ્યાંગ દવેએ જણાવ્યું છે. આ બીમારી ખૂબ રેર એટલે કે, લગભગ ૧૦ હજાર દર્દીઓમાં એકને થતી બીમારી કહી શકાય છે. પ્રૌઢા છેલ્લા પાંચ વર્ષથી આ ગંભીર બીમારીની ગાંઠ સાથે જીવન જીવતા હોવાની હિસ્ટ્રી હતી. જયશ્રીબેનની ૩ કલાકની સર્જરી બાદ તેમની તબિયત સારી હોવાનું અને તેમને નવું જીવન મળ્યું હોય એમ ડોક્ટરોએ જણાવ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પેરાથાઇરોઇડેકટોમીની સર્જરી બીજી જ વાર થઈ હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.
કામરેજના કોળી ભરથાણા ગામમાં રહેતા ૫૮ વર્ષીય જયશ્રીબેન કિશોરભાઇ ત્રિવેદી દેવાંગ અને ભૈવદીપ નામના બે પુત્રો સાથે રહે છે. બે દીકરા દેવાંગ અને ભૈવદીપની માતા જયશ્રીબેન છેલ્લા ૫ વર્ષથી હાડકાની તકલીફથી અશક્ત, ચાલી ન શકાય અને બેઠું જીવન જીવવા મજબૂર બન્યા હતા. પથારીવશ માતા જયશ્રીબેન ઝાડા-પેશાબ માટે જ વોકરનો ઉપયોગ કરી શૌચલાય સુધી જતા હતા. ૮-૧૦ હોસ્પિટલમાં વારંવાર વૃદ્ધ માતાની શારીરિક તપાસ કરાઈ હતી. અનેક લેબોરેટરી રિપોર્ટ કઢાવ્યા હતા. જો કે, તેમની બીમારીને લઈ કોઈ ડોક્ટર સ્પષ્ટ કહી શક્તા ન હતા. બસ દવા આપી રવાના કરી દેતા જેથી માતા દવા આધારિત જીવન જીવતા હતા. ૭૦-૮૦ હજારનો ખર્ચ તો માત્ર દવા પાછળ થયો છે. એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલના રાઉન્ડ અને લેબ ટેસ્ટના રિપોર્ટ બાદ પણ ડોક્ટર બીમારીના મૂળ સુધી પહોંચી ન શક્યા થાકીને તેઓ દોઢ વર્ષ પહેલા પિતાના મૃત્યુ બાદ માતાને સુરત લઈ આવ્યા હતા. બે મહિના પહેલા સુરતના એક ખાનગી તબીબે કરાવેલા લેબ રિપોર્ટ બાદ હાઇપરપેરાથાઇરોઇડીસમ નામની બીમારીથી માતા પીડાતી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ વતન ભાવનગરના એક મિત્ર તબીબની મદદથી સુરત સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના પ્રોફેસર ડૉ.હાર્દિક આસ્તિકને મળવા આવ્યા હતા. સારવાર ફાઈલ અને આગળના તમામ લેબ રિપોર્ટ જોયા પછી તેમણે સિનિયર ડૉ.દિવ્યાંગ દવે પાસે લઈ ગયા હતા. ડૉ.દિવ્યાંગ દવેએ તમામ રિપોર્ટ અને દર્દીનું ચેકઅપ કર્યા બાદ ઓપરેશન કરી આ ગાંઠ કઢાવીએ જ એક માત્ર વિકલ્પ હોવાનું જણાવ્યું હતું. જેને પેરાથાઇરોઇડેકટોમી નામની સર્જરી કહેવાય છે. બસ પરિવાર સહમત થતાની સાથે જ જયશ્રીબેનને દાખલ કરી ૧૦ દિવસ સુધી તબીબોની નજર હેઠળ હોસ્પિટલમાં રખાયા હતા. ત્યારબાદ ૬ સપ્ટેમ્બર શુક્રવારે માતાને ઓપરેશનમાં લેવાયા હતા. લગભગ ત્રણ કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું. ત્યારબાદ માતાને વોર્ડમાં ખસેડી દેવાયા હતા. હાલ માતાની તબિયત ખૂબ જ સારી છે.