Ahmedabad

બાળકના ૯૦ ડિગ્રી સુધી વાંકાંપગને જટિલ ઓપરેશન હાથ ધરી સીધા કર્યા

અમદાવાદ,તા. ૨૮
એશિયાની સૌથી મોટી એવી સિવિલ હોસ્પિટલમાં કદમાં ઠીંગણા ૧૧ વર્ષના એક બાળકના ૯૦ ડિગ્રી સુધી વિકૃત વાંકા પગને સીધા કરવાની ડિફોરમીટી કરેકરીવ સર્જરી હાથ ધરવામાં આવી હતી. ખૂબ જ જટિલ અને તબીબી જગત માટે પડકારરૂપ કહી શકાય તેવા આ કિસ્સામાં સિવિલ હોસ્પિટલના તબીબોની ટીમ દ્વારા ભારે ચોકસાઇ અને સાવધતાપૂર્વક સફળ સર્જરી હાથ ધરવામાં આવી હતી અને બાળકની ઘૂંટીમાંથી ૯૦ ડિગ્રીએ વાંકા પગને બે તબક્કામાં ઓપરેશન કરી સીધા કરવામાં આવ્યા. સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોના આ સફળ ઓપરેશનને પગલે માંડ માંડ ચાલી શકતા બાળકના પગ કે જે પહેલા કદરૂપા અને એકદમ ૯૦ ડિગ્રી સુધી વળેલા હતા, તે એકદમ સુંદર અને સીધા થઇ ગયા હતા.
એટલું જ નહી, બાળક ખૂબ જ સરસ રીતે અને સામાન્ય માણસની જેમ સરળતાથી ચાલતો થઇ ગયો હતો. સિવિલ હોસ્પિટલમાં પગની ઘૂંટીની ડિફોરમીટી કરેકટીવ સર્જરીનો આ સૌપ્રથમ કિસ્સો છે કે જેમાં સુપ્રિન્ટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકરના વર્ષોના અનુભવ અને ઓર્થોપેડિક ક્ષેત્રમાં નિપુણતાના કારણે સફળતા પ્રાપ્ત થઇ છે. ખૂબ જ જટિલ અને પડકારજનક એવા આ કિસ્સા અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. એમ. એમ. પ્રભાકરે જણાવ્યું હતું કે, આણંદના ચંદ્રકાંત મેકવાનના ૧૧ વર્ષના પુત્ર એન્જલને બંને પગની ઘૂંટીમાં જન્મજાત ગંભીર ખામી હતી અને તેના બંને પગ ઘૂંટીએથી ૯૦ ડિગ્રી સુધી વળેલા હતા. જેના કારણે બાળક સરખી રીતે ચાલી શકતો ન હતો અને તેના જન્મજાત વળેલા પગ ઘણા કદરૂપા પણ લાગતા હતા. જેને લઇ બાળક અને તેના પરિવારજનો ભારે ક્ષોભજનક સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા હતા. બાળકના જન્મથી લઇ અત્યારસુધીના ૧૧ વર્ષમાં બાળકના માતા-પિતાએ અનેક હોસ્પિટલો અને નિષ્ણાત તબીબો પાસે જઇ તપાસ કરાવડાવી પરંતુ કયાંય તેમનો કેસ ઉકલ્યો નહી. છેવટે તેઓ અહીં સિવિલ હોસ્પિટલમાં આવ્યા અને સમગ્ર તકલીફની વાત કરી. સુપ્રિન્ટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકરે વધુમાં જણાવ્યું કે, બાળકને જયારે લાવવામાં આવ્યો ત્યારે અમે પણ તેના બંને પગ ખાસ કરીને ઘૂંટીઓમાંથી ૯૦ ટકા ડિગ્રીએ વળેલા પગને જોઇને ચોંકી ગયા હતા. તબીબીજગત માટે પણ આ કેસ પડકારજનક અને કપરો હતો. પરંતુ અમે બાળકની ડિફોરમીટી કરેકટીવ સર્જરી કરવાનું નક્કી કર્યું. ખૂબ જ સાવચેતીપૂર્વક અને ચોકસાઇ સાથે બે તબક્કામાં બાળકના પગના હાડકા સાઇઝ પ્રમાણે એક્ઝેટ ડિગ્રી મુજબ કાપીને કરેકટીવ ઓસ્ટીઓટોમી કરવામાં આવી અને ભારે મહેનત બાદ આખરે સમગ્ર ઓપરેશન સફળ રહ્યું. જેના પરિણામે આજે આ બાળકના બંને પગ સામાન્ય માણસની જેમ સુંદર અને સીધા થઇ ગયા છે અને તે સરસ રીતે ચાલતો પણ થઇ ગયો છે. ડો.પ્રભાકરે વધુમાં ઉમેર્યું કે, બાળકની હાઇટ ઘણી જ ઓછી છે કારણ કે, જન્મ સમયે તે બહુ ડેવલપ નહી થયો હોવાના કારણે તેની હાઇટ પણ વધી શકી ન હતી અને તેના પગમાં આ ખોડખાંપણ જન્મજાત આવી હતી. જો કે, હવે તેના સફળ ઓપરેશન બાદ તેના બંને પગ સીધા થઇ જતાં તે આરામથી ચાલતો થઇ ગયો છે. તેથી હવે આગામી તબક્કામાં તેની હાઇટ દસ ઇંચ સુધી વધારવામાં આવશે.