કાશ્મીરના સુપ્રસિદ્ધ દાલ સરોવરના ફિશર કોલોની તરફના માર્ગો પર વહેલી સવારે મુઅઝઝીનની અઝાનના અવાજની સાથોસાથ મચ્છી બજારનો કોલાહલ પણ સંભળાવા લાગે છે. સૂરજનું પહેલું કિરણ નીકળે તે પહેલાં કાશ્મીરીઓના પરંપરાગત ગરમ પોષાક ‘પહેરણ’ પહેરેલા પુરૂષો, મહિલાઓ અને બાળકો કામચલાઉ હાટડીઓની બહાર ઘૂમરાવા લાગે છે. એટલી વારમાં જ એક ટ્રક આવીને મચ્છીયારા લોકોની વસાહતમાં આવીને રોકાય છે. ટ્રકનું એન્જિન હજી તો શાંત થાય ત્યાં તો કેટલાક પુરૂષ કામદારો આ ટ્રકમાં રહેલા ચોખ્ખી રીતે પેક કરેલા બોક્સને દુકાનો પર ઉતારે છે. એસ્બેસ્ટોસના આ નાના બોક્સમાં પંજાબ અને જમ્મુ વિસ્તારની માછલીઓ ભરેલી હોય છે જે અહીં પંજાબ ગાદ તરીકે જાણીતી છે. જો કે આ માછલીઓ અહીંના લોકોની દ્વિતીય પસંદ છે અને તે કાશ્મીર ખીણ બહારથી આયાત કરવામાં આવે છે. આ દરમ્યાન પુરૂષો માછલીની પેટીઓ ખોલે છે, બાળકો શિયાળાની હવામાં રમતા રહે છે. મહિલાઓ ધૂમ્રસેરો ઉડાડે છે અને કાશ્મીરની પરંપરાગત કાંગડીથી (શરીરને ગરમાવા માટેની પરંપરાગત સગડી) ઉષ્મા મેળવે છે. સ્થાનિક લોકો કાશ્મીરની નદીઓ-તળાવોમાં ઉત્પન્ન થતી માછલીઓ કે જેને કાશ્મીર ગાદ કહે છે તેેને પ્રથમ પસંદ કરે છે અને તેની જ માંગ રહે છે પરંતુ તાપમાનનો પારો શૂન્યની નીચે જતા જ આ માછલીઓનું ઉત્પાદન સાવ ઓછું થઈ જાય છે એટલે ભારતના બીજા વિસ્તારોમાંથી આવતી માછલીની માંગ નીકળે છે. અહીંના સ્થાનિક લોકો કે જે મચ્છીના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓ હવે માછલીઓની આયાત કરે છે અને તેને કાશ્મીરની વિવિધ માર્કેટોમાં વેચે છે. સદીઓથી આ વ્યવસાયમાં મહિલાઓનું જ રાજ રહ્યું છે પણ હવે તેમનો આ વ્યવસાય પણ આયાત આધારિત થઈ ગયો છે. કાશ્મીરના ઘેર ઘેર માછલીઓ પહોંચાડતા પરંપરાગત મછીયારા સમુદાયના જીવનમાં ‘ઉઝમા ફલકે’ ડોકિયું કર્યું છે. તેમની તસવીરોમાં કાશ્મીરના માછીયારા સમુદાયના જીવનની ઝલક છલકે છે. પ્રસ્તુત તસવીરમાં દેખાતી કાશ્મીરી માછી સમુદાયની મહિલાઓ બહારથી આવેલી માછલીઓને ટીનના ડબ્બાઓમાં ભરીને દૂર દૂરના સ્થળે ઘરે-ઘરે જઈને વેચવાની તૈયારીઓ કરી રહી છે.