નવી દિલ્હી, તા.ર૧
ભારતે કાર્ય અવધિ કાર્યક્રમ હેઠળ સોમવારે બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલનું પ્રથમ પરીક્ષણ સફળતાપૂર્વક પાર પાડ્યું. ભારત દ્વારા પ્રથમવાર હાથ ધરાયેલ આ મિશનની કાર્ય અવધિ ૧૦ વર્ષથી વધીને ૧પ વર્ષ સુધી થઈ જશે અને સશસ્ત્ર દળો માટેના વિશાળ ખર્ચમાં બચત થશે. આઈટીઆર બાલાસોરથી ર૧ મેના રોજ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવપલમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા ૧૦.૪૦ વાગ્યે બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બ્રહ્મોસ મિસાઈલ તમામ મિસાઈલ શ્રેણીમાં ર૯૦ કિ.મી. સાથે સુપરસોનિક ઝડપ ધરાવે છે જે ટૂંકા સમયની ફ્લાઈટ તરફ દોરે છે. પરિણામે દુનિયાના કોઈપણ જાણીતા હથિયાર સિસ્ટમ દ્વારા સમયસર અને બિનવિક્ષેપથી ઝડપી ગતિ કરે છે. તે ર૦૦-૩૦૦ કિલો વજન ધરાવતું પરંપરાગત યુદ્ધ સાધન ઉઠાવી શકે છે. ભારતીય લશ્કર અને નૌકાદળમાં પહેલેથી જ બ્રહ્મોસ મિસાઈલનો સમાવેશ કરવામાં આવ્યો છે તે ટૂંક સમયમાં એરફોર્સ ફાઈટર જેટ સુખોઈ ૩૦ એમકેએલનો ભાગ હશે. સંરક્ષણ મંત્રી નિર્મળા સીતારમણે બાલાસોરમાં આઈટીઆરમાંથી બ્રહ્મોસની કાર્યઅવધિના સફળ પરીક્ષણ માટે ટીમ ડીઆરડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે બ્રહ્મોસની કાર્યઅવધિ ટેકનોલોજીનો ભારતમાં પ્રથમ વખત વિકાસ થયો છે. બ્રહ્મોસ ભારતની પ્રથમ મિસાઈલ છે જેની કાર્યઅવધિ ૧પ વર્ષ સુધી રહેશે. આ સફળ પરીક્ષણના પરિણામ સ્વરૂપે ભારતીય સશસ્ત્ર દળો માટેના વિશાળ ખર્ચમાંથી બચી શકાશે.