(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા. ૭
પાદરા તાલુકાના સાંગમા ગામે થયેલા ડબલમર્ડરનો ભેદ પોલીસે ઉકેલી સગાભાઈ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હત્યા જમીનના ઝઘડાને કારણે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
વિગત અનુસાર ગત શનિવારે સાંગમા ગામ નજીક વેસ્ટર્ન સિરામિક્સ કંપની પાસે નહેરના રસ્તે એક પુરૂષ અને સ્ત્રીની હત્યા કરેલી લાશ મળી આવી હતી.
પાદરા પોલીસે આજે ડબલમર્ડરના આરોપી હર્ષદભાઈ ઉર્ફ(લાલો)ની ધરપકડ કરી હતી. રમેશભાઈ પટેલ અને હર્ષદભાઈ બંને ભાઈઓ વચ્ચે તેમની સાંગમા સ્થિત જમીન અંગે વિવાદ થતા ઝઘડા થતા હતા. આથી હર્ષદે પોતાના ભાઈ રમેશની હત્યા કરવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો.
શનિવારના રોજ રમેશભાઈ પટેલના મિત્ર નટુભાઈ પંચાલ કે જેઓ જીઈબીના નિવૃત્ત કર્મચારી હતા. નિવૃત્તિ પછી તેમણે ફેબ્રિકેશનનું કામ શરૂ કર્યું હતું. રમેશભાઈના ખેતરે ઝાંપો બનાવવાનો હોઈ તેઓ માપ લેવા બાઈક ઉપર ગયા હતા. માપ લઈ તેઓ બાઈક ઉપર પરત ફરતા હતા ત્યારે આરોપી હર્ષદ ઉર્ફ લાલાએ તેમના ઉપર પાળિયાથી હુમલો કરી ગળા ઉપર ઘા ઝીંક્યા હતા. નટુભાઈ પંચાલે હેલ્મેટ પહેરી હતા. એટલે આરોપી તેને ઓળખી શક્યો ન હતો સામાન્ય રીતે રમેશભાઈ સફેદ શર્ટ પહેરતા હોય છે. તે દિવસે નટુભાઈ પંચાલે પણ સફેદ શર્ટ જ પહેર્યું હોવાથી આરોપીને રમેશભાઈ બાઈક ઉપર જઈ રહ્યા છે તેવું લાગતા હુમલો કરી બેઠો હતો. હુમલા દરમિયાન હર્ષદભાઈની ભાભી અને રમેશભાઈના પત્ની પ્રવિણાબેન વચ્ચે છોડાવવા પડતા તમેનું પણ ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું.બંનેની હત્યા બાદ આરોપી નાસી છૂટ્યો હતો. પોલીસે મહુવડ ગામ પાસે ખોડિયાર મંદિર નજીક ઝાડીમાં ફેંકી દીધેલું લોહી વાળુ પાળીયું કબજે કરી આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.
પાદરાના સાંગમા ગામે થયેલ ડબલમર્ડરનો ભેદ ઉકેલાયો : આરોપી સગાભાઈની ધરપકડ

Recent Comments