અમદાવાદ,તા.૯
રાજ્યમાં દલિત પરના હુમલા અને તેમની હત્યાના બનાવોમાં થઈ રહેલો વધારો જ સૂચવે છે કે રાજ્યમાં સબ સલામતના સરકારના દાવા કેટલા પોકળ છે. ત્યારે પ્રેમલગ્ન બાદ પિયર પક્ષમાં લઈ જવાયેલ ઉચ્ચ જ્ઞાતિની યુવતીને પાછી મેળવવા અભયમ હેલ્પલાઈનની મદદ લઈ અમદાવાદના માંડલ તાલુકાના વરમોર ગામે જનાર યુવક હરેશ સોલંકીને યુવતીના સગા-સંબંધીઓ દ્વારા ટીમ અભયમની હાજરીમાં જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વરમોર ગામે પ્રેમલગ્ન કરનાર યુવકની પોલીસની હાજરીમાં યુવતીના પરિવારજનોએ ગળું કાપી હત્યા કરી નાંખતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસ બંદોબસ્ત સાથે યુવતીને લેવા ગયેલા યુવક પર અને પોલીસ પર યુવતીના પરિવારજનોએ બહુ ગંભીર અને જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં યુવકને પોલીસની હાજરીમાં જ પતાવી દેવાયો હતો, જેને લઇને હવે પોલીસની ભૂમિકા અને શાખ પર પણ ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. આ સમગ્ર પ્રકરણમાં માંડલ પોલીસે બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ હરેશ સોલંકી નામના યુવકે માંડલના વરમોર ગામની રહેવાસી ઉર્મિલાબા ઝાલા નામની યુવતી સાથે પોલીસની હાજરીમાં પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ યુવતી પોતાના માતા-પિતાને ઘરે રહેતી હતી. ગઈકાલે બપોરે હરેશ સોલંકી ૧૮૧ અભયમ હેલ્પલાઈનની મદદ લઇ પોલીસકર્મીઓ સાથે પત્ની ઉર્મિલાને લેવા માટે વરમોર ગામે ગયો હતો. અભયમના કર્મચારીઓ અને પોલીસે યુવતીના ઘરે જઈ અને બંનેએ પ્રેમલગ્ન કર્યા હોવાથી સમજાવવા ગયા હતા. બાદમાં તેઓ બહાર આવતા યુવતીના પરિવારજનોએ આ હરેશ આપણી છોકરીને ભગાડીને લઈ ગયો છે. તેને મારી નાખો કહી અચાનક તેની પર તૂટી પડ્‌યા હતા. એટલું જ નહી, વચ્ચે દરમ્યાનગીરી કરનાર પોલીસ પર પણ યુવતીના પરિવારજનોએ હથિયાર વડે હુમલો કર્યો હતો. પોલીસની હાજરીમાં જ યુવતીના પરિવારજનોએ હરેશની જાહેરમાં જ ગળું કાપી હત્યા કરી નાખી હતી. જેને પગલે સમગ્ર વિસ્તારમાં અને પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ સમગ્ર મામલે માંડલ પોલીસે જરૂરી ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.