૬પ વર્ષીય વૃદ્ધાને મળી શકે છે માફી
(એજન્સી) ચેન્નાઈ, તા.રર
કથિતરૂપે પોતાની પૌત્રીને તેના પિતા દ્વારા કરવામાં આવનાર બળાત્કારથી બચાવવા માટે ચેન્નઈની ૬પ વર્ષીય એક વૃદ્ધાએ તેના પોતાના જ પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો છે. જો કે પોલીસે આ કેસ અંગે મહિલાને કાયદાકીય સહાય આપવાનું નક્કી કર્યું છે. ગત સપ્તાહે તામિલનાડુના શિવગંગા જિલ્લામાં આવેલા સક્કાવયલ ગામમાં લક્ષ્મીએ (નામ બદલેલ છે) પોતાના ૪૭ વર્ષીય પુત્રને તેની જ પુત્રી સાથે બળાત્કાર કરવાની કોશિષ કરતો હોવાથી જોરથી ધક્કો માર્યો હતો પરંતુ દારૂના નશામાં ધૂત થયેલ આ વ્યક્તિએ પોતાની માતાને ધક્કોમારીને પોતાની ૧૯ વર્ષીય પુત્રી સાથે જાતીય સતામણી કરવાનું શરૂ કર્યું. જેને પગલે વૃદ્ધ માતાએ તેના પોતાના જ પુત્રને દાંતરડા વડે રહેંસી નાખ્યો હતો. ત્યારબાદ મહિલાના પુત્રનો મૃતદેહ લોહીથી ખરડાઈ ગયો હતો,અને તે રડવા લાગી હતી અને ત્યારબાદ તેણે પોતાની પૌત્રી કવિતાને (નામ બદલેલ છે) પકડી રાખી. કવિતાએ કહ્યું કે, તેણીની મને બચાવી રહી હતી. તો એ બીજું શું કરે ?
થોડા સમય બાદ પોલીસે લક્ષ્મીની ધરપકડ કરી અને તેને કસ્ટડીમાં લઈ ગઈ. પોલીસ પોતાની દાદીને લઈ ગઈ ત્યારબાદ કવિતા દુઃખની સાથે કહેવા લાગી કે હવે તેની સાર-સંભાળ કોણ રાખશે. જો કે, લક્ષ્મી પર હત્યાનો નહીં પરંતુ ગુનાહિત હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તેમના આ વૃદ્ધાની દયા આવી રહી છે પરંતુ તેમના હાથ કાયદાને લીધે બંધાયેલા છે તેથી જો તેણીની જામીન માટે અરજી કરશે, તો પોલીસ તેનો વિરોધ નહીં કરે.