(સંવાદદાતા દ્વારા) પાટણ,તા.રર
સિધ્ધપુર તાલુકાના ઉમરૂ ગામની સગીરવયની યુવતીને બનાસકાંઠા જિલ્લાનો એક યુવાન મિત્રની મદદગારીથી લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. ગામ લોકોની દોડધામને પગલે સગીરવયની યુવતીને નરાધમની ચૂંગલમાંથી છોડાવવામાં સફળતા મળી પરંતુ પોલીસ બનાવના ૧૭ દિવસ બાદ પણ યુવાનને પકડી નહીં શકતા ગામ લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મેતા ગામે રહેતા રમેશભાઈ ચંદનભાઈ રાજપુતે સિધ્ધપુર તાલુકાના ઉમરૂ ગામની સગીરવયની એક યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી અને ગત તા.પ-૯-ર૦૧૭ ના રોજ સુનિલ પ્રજાપતિ નામના યુવાનની મદદગારીથી તેનું અપહરણ કર્યું હતું. આ બનાવથી ચોંકી ઉઠેલા ઉમરૂ ગામ લોકોએ ભેગા મળી પરિવારને આશ્વાસન આપી રમેશભાઈ ચંદનભાઈ રાજપુત વિરુધ્ધ કાકોશી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને સમસ્ત ગામ લોકોએ ભેગા મળી ખાનગી રાહે રમેશનું પગેરૂ દબાવી શોધખોળ હાથ ધરી હતી.
દરમ્યાન વડગામ તાલુકાના પીલુયા ગામેથી યુવતી મળી આવી હતી પરંતુ રમેશ ગામ લોકોને થાપ આપી નાસી છુટયો હતો. યુવતીને છાપી પોલીસ મથકે હાજર કરી તેની જુબાની લેવામાં આવી હતી. જેમાં તેણીએ રમેશભાઈ ચંદનભાઈ રાજપુત બળજબરીપૂર્વક ભગાડી ગયો હતો અને ધાક-ધમકી આપી દુષ્કૃત્ય આચર્યું હોવાનું જણાવતા આઈપીસી ૩૭૬ અને પોસ્કો એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. કહેવાય છે કે, આ નરાધમોએ અગાઉ પણ વિવિધ સમાજની સગીરવયની યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી બાદમાં તરછોડી દીધી હોવાના અનેક બનાવો પ્રકાશમાં આવેલા છે. જેમાં કેટલાક કિસ્સાઓમાં ધાકધમકી અને ઈજજત,આબરૂ જવાના ભયે ફરિયાદો નોંધાવી નથી. પોલીસ આ નરાધમોને તાકીદે ઝડપી પાડી નિષ્પક્ષ ઝીણવટપૂર્વક તપાસ કરે તો ચોંકાવનારી હકીકતો બહાર આવે તેમ હોવાનું ઉમરૂના ગામ લોકોએ જણાવ્યું હતું.