(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૪
આણંદ ગામડી ગામે ગઈકાલે સાંજે ખાળ કુવો બનાવતા સમયે માટીની ભેખડ ધસી પડતાં એક આદીવાસી મજુરનું મોત નીપજયું હતું. આ ઘટનાને લઈને આજે સવારે મૃતકના પરિવારજનો અને સગાસબંધીઓ આણંદ ટાઉન પોલીસ મથકે દોડી આવ્યાં હતાં અને કોન્ટ્રાકટર દ્વારા જયાં સુધી મૃતકના પરીવારજનોને સહાય ચુકવવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતાં પોલીસે મૃતકના પરીવારજનોને સમજાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો,અંતે બપોર બાદ પરિવારે મૃતદેહ સ્વિકારતા મામલો થાળે પડયો હતો. મળતી વીગતો અનુસાર ગામડી ગામે પીડબ્લ્યુડી કવાર્ટસમાં ગઈકાલે સાંજના સુમારે ખાળ કુવો બનાવતાં સમયે માટીની ભેખડ ધસી પડતાં દીલીપભાઈ વરસીંગ ગરાસીયા રહે. મોટા ડુંગર જી. બાંસવાડા રાજસ્થાન માટીની ભેખડ નીચે દબાઈ જતાં તેનું મોત નીપજયું હતું. પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે આણંદની જનરલ હોસ્પિટલમાં ખસેડયો હતો. દરમીયાન આજે સવારે મૃતકની પત્ની અને સગાસબંધીઓ આણંદ ટાઉન પોલીસ મથકે દોડી આવ્યાં હતાં. અને તેઓએ જયાં સુધી કોન્ટ્રાકટર દ્વારા મૃતકની પત્નીને સહાયની રકમ ચુકવવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. આ બાબતે તેઓએ ટાઉન પીઆઈ એન કે ચૌહાણ સમક્ષ રજુઆત કરી હતી. જેથી પીઆઈ એન કે ચૌહાણે તેઓએ આ બાબતે કોન્ટ્રાકટર સમક્ષ રજુઆત કરી સહાય માટે યોગ્ય રીતે મદદરૂપ થવાની ખાત્રી આપી હતી. ત્યારબાદ જનરલ હોસ્પિટલમાં હાલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું અને મૃતકના પરીવારજનો અને સગાવહાલાઓ પહેલાં સહાય ચુકવવામાં આવે તેવો આગ્રહ રાખી રહ્યાં હતા. જેને લઈને પોલીસે તેઓને સમજાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. મૃતકના પરીવારજનોનું કહેવું હતું કે કે મૃતક દીલીપભાઈની પત્ની માત્ર રપ વર્ષની વયે વીધવા બની છે અને તેણીને ત્રણ નાના નાના બાળકો છે. તેમજ માતા-પિતા પણ નથી જેથી તેની પત્ની ત્રણ બાળકોનું ઉછેર કઈ રીતે કરી શકશે. તે માટે કોન્ટ્રાકટર દ્વારા મૃતકના પરીવારજનોને સહાય ચુકવવામાં આવે તેવી માંગણી કરી રહ્યાં હતા જો કે પોલીસ દ્વારા સમજાવટનાં અંતે બપોર બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વિકારતા અંતે મામલો થાળે પડયો હતો.