(એજન્સી) નવી દિલ્હી, તા.૨૯
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સૈફુદ્દીન સોઝે દાવો કર્યો હતો કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવા કહ્યું હતું. ઉપલબ્ધ હકીકતોના આધારે આ વાત પૂરવાર થઈ શકે છે. એક નિવેદનમાં કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે, રર જુલાઈના રોજ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન સાથે ટ્રમ્પની મુલાકાતનો વીડિયો વાયરલ થયો હતો. ર૩મી જુલાઈના રોજ વ્હાઈટ હાઉસમાં થયેલી મુલાકાતનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ વીડિયોમાં ટ્રમ્પે સમર્થન કર્યું હતું કે, કાશ્મીર મુદ્દે મધ્યસ્થી માટે મોદીએ તેમને અપીલ કરી છે. જાપાનના ઓસાકામાં ર૮મી જૂનના રોજ થયેલી મુલાકાતમાં મોદીએ ટ્રમ્પ સમક્ષ આ પ્રસ્તાવ મૂકયો હતો. સોઝે જણાવ્યું હતું કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, જો બંને દેશો ઈચ્છે તો તેઓ કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવા તૈયાર છે.