(એજન્સી) શ્રીનગર, તા.૨૭
દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આવેલા અરિહલ ગામની શેરીમાં સૈનિકો આગળ વધતા એક દુકાન પર ભેગા થયેલું ટોળું વિખેરાઇ ગયું હતું. અરિહલ ગામના એક યુવકે જણાવ્યું કે શંકાને આધારે લોકોને પકડવા માટે સેના રાત્રે દરોડા પાડે છે. હવે તો સેના સાથે પોલીસ પણ હોતી નથી. સૌથી પહેલા સેનાના જવાનો મસ્જિદો કબજે કરે છે, જેથી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર પર સ્થાનિક લોકોને કોઇ ચેતવણી આપવામાં ન આવે. ત્યાર પછી સેના દ્વારા દરોડા પાડવામાં આવે છે. લોકોને મારમારવા માટે તેઓ રાત્રે ૧૨ અને એક વાગે આવે છે.સ્થાનિક નિવાસીઓએ જણાવ્યું કે ૨૭ જુલાઇ, ત્રીજી અને ચોથી ઓગસ્ટે સેના દ્વારા ગામમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને આશરે ૨૦૦ ખાનગી વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. યુનિફોર્મમાં આવેલા લોકો ઉર્દૂમાં પ્રિન્ટ કરેલી પત્રિકાઓ વહેંચી રહ્યા હતા. પત્રિકામાં લખ્યું છે કે ‘કલમ ૩૭૦ ઔર ૩૫એ કો બદલાવ કરને કે કિતને ફાયદે હૈં’. સેના દ્વારા વિતરણ કરવામાં આવી રહેલી પત્રિકામાં ૧૧ મુદ્દા છે. નવી વ્યવસ્થા મહિલાઓ માટે ફરજિયાત શિક્ષણ, સરકારી સ્કૂલોમાં મધ્યાહન ભોજન અને નવા કોચિંગ સેન્ટર્સ સહિત શિક્ષણ અધિકારનો પ્રારંભ કરશે. પત્રિકામાં આરોગ્ય હેઠળ આયુષમાન યોજનાનો અમલ અને નવી હોસ્પિટલો, ટુરિઝ્‌મ હેઠળ નવી હોટલો અને ટુરિસ્ટ સેન્ટર્સનું વચન આપવામાં આવ્યું છે. યાદીમાં પછાત વર્ગોના વિકાસને પ્રાથમિકતા આપવાનું પણ જણાવવામાં આવ્યું છે. કાશ્મીરમાં નવા ઉદ્યોગો અને ફક્ટરીઓ હશે. કાયદો અને વ્યવસ્થા તેમ જ વિકાસનું કેન્દ્રી નિરીક્ષણથી કાશ્મીર પોંડિચેરીમાં રૂપાંતર થઇ જશે. ભ્રષ્ટાચારા સામે કાર્યવાહી કરાશે અને માહિતી અધિકાર કાયદાનો અમલ કરાશે. મહિલાઓને પણ સંપત્તિનો અધિકાર મળશે. દૈનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે એક લાખ કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાય મળશે. કાશ્મીરમાં જમીનના ભાવો વધશે.