(એજન્સી) ઢાકા, તા.૩૦
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાને કોર્ટે એક વધુ ઝટકો આપી તેમને ભ્રષ્ટાચારના કેસમાં કરેલી પાંચ વર્ષની સજાને બેગણી ૧૦ વર્ષની કરી દીધી હતી. તેમ તેમના વકીલે જણાવ્યું હતું.
તેમના વકીલે કહ્યું કે, હાઈકોર્ટે ઝિયાની પ વર્ષની સજા ૧૦ વર્ષની કરી હતી. પૂર્વ વડાપ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના વડા અન્ય એક મામલે સાત વર્ષની સજા કરાઈ હતી. પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયા અને તેમના પુત્રને એક અનાથાલય માટેના દાનના ર,પ૩,૦૦૦ ડોલર ચાઉં કરી જવાના આરોપસર ફેબ્રુઆરીમાં ગુનેગાર ઠરાવી સજા કરાઈ હતી. ખાલિદા ઝિયા વડાપ્રધાનપદે હતા ત્યારે આ કૌભાંડ આચર્યું હતું.
બીજી તરફ ખાલિદા ઝિયાએ આરોપોનો ઈન્કાર કર્યો હતો. પહેલીવાર સજા થઈ ત્યારે દેશમાં તેની સામે દેખાવો થયા હતા. બેવાર વડાપ્રધાન રહેલા ખાલિદા ઝિયા (૭૩) અને તેમના પુત્રને થયેલી સજા અંગે વિપક્ષોએ કહ્યું કે, વિપક્ષી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીને અને ઝિયા પરિવારને રાજકારણથી દૂર રાખવાનો આ ચુકાદાનો હેતુ છે.
એટર્ની જનરલ મહેબૂબ આલમે કહ્યું કે ઝિયા સામેનો ચુકાદો રદ ન થાય ત્યાં સુધી તેઓ ચૂંટણીમાં ભાગ લઈ નહીં શકે. ખાલિદા ઝિયાના વકીલે કહ્યું કે, તેઓ સુપ્રીમ કોર્ટમાં ચુકાદાને પડકારશે અને ડિસેમ્બરમાં યોજાનાર ચૂંટણીમાં ભાગ લઈ શકે તે માટે પ્રયાસ કરાશે.
ખાલિદા ઝિયા હાલમાં બીમાર છે અને તેઓને ડાયાબિટીસની સારવાર ચાલે છે. જેથી તેઓ કોર્ટમાં હાજર રહી શક્યા ન હતા.
સોમવારે તેમને હાઈકોર્ટે સાત વર્ષની સજા કરી હતી. ર૦૦પમાં ૩,૭૧,પપ૦ ડોલર દાનનો દુરૂપયોગનો તેમના પર આરોપ હતો. મંગળવારના ચુકાદા વિરૂદ્ધ બાંગ્લાદેશ નેશનલ પાર્ટી રાષ્ટ્રવ્યાપી આંદોલન કરવાની યોજના બનાવી રહ્યું છે.
વડાપ્રધાન શેખ હસીના અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયા વચ્ચે ઘણા સમયથી રાજકીય કડવાસ સાથે બદલાની રાજનીતિ ચાલી રહી છે.
કેટલાક કહે છે કે, વડાપ્રધાન શેખ હસીનાનું માનવું છે કે, પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયા અને બાંગ્લાદેશ નેશનલ પાર્ટી બાંગ્લાદેશ માટે એક જોખમ છે. દેશમાં ૧૬૦ મિલિયન વસ્તીમાં મુસ્લિમોની બહુમતી છે.
બાંગ્લાદેશ નેશનલ પાર્ટીએ કહ્યું કે, તે આગામી ચૂંટણી લડશે. ર૦૧૪માં બહિષ્કાર કર્યો હતો. જેથી શેખ હસીના સહેલાઈથી જીતી ગયા હતા.