અમદાવાદ, તા.ર૧
મહિસાગર જિલ્લાના લુણાવાડામાં ચોરી જેવા નાના ગુનામાં આરોપી સાજીદ જમાલ ઉર્ફે રાબડીનું પોલીસના બોગસ એન્કાઉન્ટરમાં મોત નિપજતા રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે આ એન્કાઉન્ટર કેસની તપાસ તટસ્થ અને ન્યાયી રીતે સ્વતંત્ર એજન્સી મારફતે કરવા તથા જિલ્લા બહારના તટસ્થ પોલીસ અધિકારીઓ દ્વારા થાય તેવી માગ કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને ત્રણ મુસ્લિમ ધારાસભ્યો એવા ગ્યાસુદ્દીન શેખ, મોહમ્મદ જાવેદ પીરઝાદા અને ઈમરાન ખેડાવાલાએ કરી છે. આ અંગે પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી રજૂઆત કરી છે. લુણાવાડાના સાજીદ ઉર્ફે રાબડીને ચોરી જેવા નાના ગુનામાં આરોપી હોવા છતાં તેનું એન્કાઉન્ટર કરાતા અનેક સવાલો ઊભા થયા છે ત્યારે આ બોગસ એન્કાઉન્ટર અંગે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખીને રજૂઆત કરી હતી કે લુણાવાડામાં પોલીસ એન્કાઉન્ટરમાં મરનાર સાજીદ જમાલ ઉર્ફે રાબડી જેઓ સામાન્ય રીતે ગુનાઓમાં સંડોવાયેલો હતો. તેમ છતાં પોલીસ તરફથી ધાક જમાવવા તેઓનું સરેઆમ જાહેરમાં પોલીસ એન્કાઉન્ટર કર્યું છે અને જેનાથી તેનો પરિવાર નિરાધાર થઈ ગયો છે ત્યારે આ એન્કાઉન્ટર કેસની તપાસ તટસ્થ અને ન્યાયી રીતે સ્વતંત્ર એજન્સી મારફતે થાય તે માટે જિલ્લા બહારના તટસ્થ પોલીસ અધિકારી મારફત થાય અને સત્ય બહાર આવે તેમજ મરનારના પરિવારને ન્યાય મળે અને ખોટું એન્કાઉન્ટર કરનારા પોલીસ અધિકારી સામે નિયમોનુસાર કાનૂની કાર્યવાહી થાય એવી માગ કરતા પરેશ ધાનાણીએ જણાવ્યું છે. તદ્‌ઉપરાંત આ કેસમાં યોગ્ય તપાસ થાય તે માટે સ્વતંત્ર એજન્સી મારફતે મહિસાગર જિલ્લા બહારના તટસ્થ પોલીસ અધિકારી દ્વારા તપાસ તે માટે મુસ્લિમ ધારાસભ્યો એવા ગ્યાસુદ્દીન શેખ, મોહમ્મદ જાવેદ પીરઝાદા અને ઈમરાન ખેડાવાલાએ ગૃહમંત્રીને રૂબરૂમાં મળીને રજૂઆત કરી હતી. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી તેમના અગ્રસચિવ કૈલાશનાથનને રૂબરૂ મળીને ત્રણેય ધારાસભ્યોએ રજૂઆત કરી હતી.

તટસ્થ તપાસની માગ સ્વીકારાશે નહીં તો સમગ્ર રાજ્યમાં આંદોલન થશે

સાજીદના એન્કાઉન્ટર કેસમાં તટસ્થ તપાસ કરી જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની માગ ત્રણેય મુસ્લિમ ધારાસભ્યો દ્વારા કરાઈ છે ત્યારે જો સરકાર દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં આંદોલન કરવાની ચીમકી પણ ધારાસભ્યોએ ઉચ્ચારી છે. જેમાં રાજ્યભરમાં દરેક જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવશે. આમ સાજીદ એન્કાઉન્ટરમાં સ્વતંત્ર એજન્સી મારફતે તટસ્થ તપાસ નહીં થાય તો રાજ્યમાં આંદોલન કરવાની ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, મોહમ્મદ જાવેદ પીરઝાદા અને ઈમરાન ખેડાવાલાએ ચીમકી આપી છે.