(એજન્સી) મુંબઇ, તા. ૫
આઇપીએલ સટ્ટાકાંડનો મુખ્ય સૂત્રધાર અને બુકી સોનુ જાલાને સટ્ટાબાજીમાં બોલિવૂડ અભિનેતા અને દિગ્દર્શક અરબાઝખાનનું નામ આપ્યું હતું અને આઇપીએલ સટ્ટામાં ભાગ લીધો હોવાની અરબાઝખાને કબૂલાત કર્યા બાદ જાલાને ક્રિકેટ મેચ સટ્ટાના સંદર્ભમાં અન્ય એક જાણીતી બોલિવૂડ સેલિબ્રિટીનું નામ આપ્યું છે. જાલાને હવે સટ્ટાકાંડમાં બોલિવૂડના ફિલ્મ દિગ્દર્શક અને નિર્માતા સાજિદખાનનું નામ આપ્યું છે. દરમિયાન, એક પોલીસ અધિકારીને ટાંકીને અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે બોલિવૂડના બે નિર્માતાઓ – પ્રાગ સંઘવી અને મુરાદ ખૈતાનના નામ પણ બહાર આવ્યા છે. પોલીસ પૂછપરછ કરવા માટે આ બંને નિર્માતાઓને બોલાવશે. સંઘવી સોનુનો પાર્ટનર છે. મુંબઇ સ્થિત બિલ્ડરના પુત્ર અને ટોચના બુકી દિલીપ લુધાનીનું પણ નામ આપવામાં આવ્યું છે. પોલીસ સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે બુકી સોનુ જાલાનના અંધારી આલમના ડોન દાઉદ ઇબ્રાહીમ સાથે સંબંધ હોવાનું કહેવામાં આવે છે. સોનુએ આ વખતે ‘હાઉસફૂલ’ના દિગ્દર્શક સાજિદખાનનું નામ પોલીસને આપ્યું છે અને કહ્યું છે કે આઇપીએલ સટ્ટામાં સાજિદખાન પણ સંડોવાયેલો છે. ડિરેક્ટર ફરાહખાનનો ભાઇ સાજિદખાન લગભગ ૭ વર્ષ પહેલા ક્રિકેટ મેચ પર સટ્ટો લગાવતો હતો. થાણે પોલીસ સોનુના આ દાવા અંગે તપાસ કરી રહી છે. જો કે, તપાસમાં જોડાવા માટે સાજિદખાનને બોલાવવાનો થાણે પોલીસે હજી કોઇ નિર્ણય લીધો નથી. સાજિદખાને ‘હે બેબી, હાઉસફુલ, હિમ્મતવાલા અને હમશકલ જેવી અન્ય ઘણી ફિલ્મો બનાવી છે. આઇપીએલ સટ્ટાબાજીમાં જાલાને અરબાઝનું નામ આપ્યું હતું અને અરબાઝે સટ્ટાની કબૂલાત કરી લીધી છે. અરબાઝે પોલીસને જણાવ્યું હતું કે તે બુકી જાલાનને છેલ્લા છ વર્ષથી જાણે છે અને ૨૦૧૬ની આઇપીએલ સીઝનમાં તેણે સટ્ટાબાજી કરી હતી. સટ્ટામાં ૩ કરોડ રૂપિયા હારી ગયા બાદ આ રકમની ચુકવવામાં નિષ્ફળ નીવડ્યા બાદ અરબાઝને પણ જાલન તરફથી ધમકીઓ આપવામાં આવતી હતી.અહેવાલો મુજબ અરબાઝે પણ તેના દ્વારા જાલન સાથે મુલાકાત કરાવવામાં આવેલા ફિલ્મ જગતના અન્ય સાત સભ્યોના નામ આપ્યા છે.