પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયેલ સાજીદ ઉર્ફે રાબડી સ્ટ્રેચર પર જ્યારે ઈન્સેટ તસવીરમાં સાજીદ પર ગોળીબાર કરનાર પો.સ.ઈ. એચ.એન. પટેલ દૃશ્યમાન થાય છે.

(સંવાદદાતા દ્વારા)
લુણાવાડા,તા.ર૦
મહિસાગર જિલ્લાના લુણાવાડામાં શનિવારે સાંજના સુમારે ચોરી જેવા નાના ગુનાના આરોપી સાજીદ જમાલ ઉર્ફે રાબડીનું પોલીસના બોગસ એન્કાઉન્ટરમાં મોત થયાની જાણ થતા રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ગુજરાતમાં પુનઃ બોગસ એન્કાઉન્ટરના નામે મુસ્લિમ સમાજને ભયભીત કરવાની ચાલ હોવાની લોકોમાં ચર્ચા છે કારણ કે પોલીસે જે પ્રકારે એન્કાઉન્ટરની વાત વહેતી મુકી છે તે જોતા વિવિધ અખબારોમાં પ્રત્યાઘાત અહેવાલોમાં જે અલગ-અલગ થિયરી સામે આવી છે તે પરથી જ સાજીદની હત્યા જ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. લુણાવાડામાં સ્થાનિકોમાં થતી ચર્ચા મુજબ સાજીદ જમાલ ઉર્ફે રાબડી નમાઝ બાદ સુથારવાડાથી જરાતીવાડ જતો હતો. ત્યારે કેટલાક અજાણ્યા લોકો તેનો પીછો કરતા હતા. આની ગંધ સાજીદને આવી જતા પોતાનો જીવ બચાવવા તે ત્યાંથી ભાગવા લાગ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સાજીદની બહેને પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસ તેના ભાઈની હત્યા કરવાનો પ્રયાસ કરી રહી છે. આની જાણ સાજીદને પણ હતી કે પોલીસ તેની જાનની દુશ્મન બની ગઈ છે. આથી અજાણ્યા લોકોને જોઈ સાજીદ મકાનોની છલાંગ લગાવી એક મકાનમાં ઘૂસી ગયો હતો. જયાં સ્થાનિકોના જણાવ્યા મુજબ અચાનક દોડી આવેલા પોલીસે સાજીદને પકડવાને બદલે માર મારવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ સાજીદનું ગોળીબારમાં મોત નીપજયાની વાત પોલીસે જાહેર કરી હતી. આમ સાજીદની યોજનાબદ્ધ હત્યાથી લુણાવાડાના લોકોમાં રોષ વ્યાપી ગયો છે તેમના જણાવ્યા મુજબ જો સાજીદ પોલીસની નજરે ગંભીર પ્રકારનો ગુનેગાર હતો તો તેને જીવતો પણ પકડી શકી હોત. તે નમાઝ પઢી નીકળ્યો હોવાથી તેની પાસે તલવાર કયાંથી આવી ? ઉપરાંત અલગ-અલગ અખબરોમાં અલગ-અલગ થિયરી દર્શાવામાં આવી છે જે પણ શંકા ઉપજાવે છે. એક અખબારમાં પીએસઆઈ પટેલે સાજીદને ગોળી મારી એમ જણાવાયું છે અને સાજીદે તલવારથી હુમલો કરતા એક પોલીસ કર્મીના પગમાં ઈજા થયાનું જણાવાય છે જયારે આ પોલીસ કર્મીના પગમાં ધાતુની વસ્તુ હોવાનું કહેવાય છે. ત્યારે જો તલવારથી હુમલો કર્યો હોત તો પગમાં ધાતુની વસ્તુ કયાંથી આવી ? જયારે એક અખબારે અહેવાલ મુજબ પોલીસના જણાવ્યા પ્રમાણે સાજીદે ફાયરીંગ કર્યા બાદ પોલીસે ક્રોસ ફાયરીંગ કરતા સાજીદ મોતને ભેટયો હતો. જયારે એક વીડિયોમાં બંધક બનેલ યુવતી કહે છે. સાજીદ પાસે તલવાર જેવું કંઈક હતું. જયારે અન્ય એક અખબારમાં ચપ્પુ વડે હુમલો કરાયાનું કહેવાયું છે. અન્ય એક ચર્ચા મુજબ પોલીસના જણાવ્યા મુજબ સ્વ બચાવમાં એક ગોળી મારી ત્યારે જ સાજીદ ફસડાઈ પડયો હતો. તો પછી તેને પકડી શકાયો હોત, બીજી ગોળી મારવાની જરૂરત જ શું હતી. ? આમ વિવિધ અખબારોમાં અહેવાલ જોતા સાજીદ પાસે તલવાર હતી કે રિવોલ્વર ? તે પ્રશ્ન પેચીદો બન્યો છે. સાજીદે તલવારથી હુમલો કર્યો હતો તો ઘાયલ પોલીસ કર્મીના પગમાં ધાતુ જેવી વસ્તુ કયાંથી આવી ? આથી આ એન્કાઉન્ટર કે હત્યાના બનાવની સત્યતા જાણવા આસપાસના વિસ્તારમાં મુકેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

સાજીદના મૃતદેહનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં
વીડિયોગ્રાફી સાથે પેનલ પોસ્ટમોર્ટમ કરાયું

મહિસાગર જિલ્લાના લુણાવાડાના મધવાસ ગામે રહેતા સાજીદ ઉર્ફે રાબડી પોલીસ અથડામણમાં મોતને ભેટ્યા બાદ પોલીસ ફાયરીંગના મામલે સ્ફોટક સ્થિતિ ઉભી થયા બાદ તેના પેનલ અને એકસપર્ટ આપિનિયન માટે સાજીદના મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં ફોરેન્સીક મેડીસીનનાં સીનીયર અને પ્રોફેસર કક્ષાના તબીબોએ વિડીયોગ્રાફી સાથે પેનલ પોસ્ટમોર્ટમ હાથ ધર્યું હતું. તેમજ બોડીને થયેલી ઇજાઓના રીપોર્ટ માટે એકસ-રે માટે એકસ-રે વિભાગમાં મોકલી આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસે લુણાવાડાની કોટેઝ હોસ્પીટલ ખાતે મૃતદેહને દિવસ દરમ્યાન રાખ્યા બાદ મોડી સાંજે તેના પેનલ પીએમ માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં આજે સયાજી હોસ્પિટલના ફોરેન્સીક મેડીસીન વિભાગના સીનીયર અને પ્રોફેસર કક્ષાના તબીબ દ્વારા પોલીસની ઉપસ્થિતિમાં વિડીયોગ્રાફી સાથે પેનલ પીએમની કાર્યવાહી ફાયરીંગમાં સાજીદ ઉર્ફે રાબડીની બોડીને કેટલું ડેમેજ થયું છે તેના પ્રાથમિક રીપોર્ટ માટે બોડીને એકસ-રે વિભાગમાં એકસ-રે પડાવવા માટે મોકલી આપવામાં આવી હતી તે બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

સાજીદનું એન્કાઉન્ટર ઉપજાવી કાઢેલું
શરીરના આગળ ગોળીના નિશાન નથી

સાજીદ ઉર્ફે રાબડીના મોત અંગે એડવોકેટ અને સામાજિક કાર્યકર શમશાદ પઠાણે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું છેકે કેટલાક ફોટો મળ્યા છે તે જોયા બાદ સાજીદનું એન્કાઉન્ટર બોગસ છે એમ કહી શકાય કારણ કે સાજીદના શરીરના આગળના ભાગે ગોળીના કોઈ નિશાન નથી. ઉપરાંત તેણે પહેરેલી ટીશર્ટના આગળના ભાગે લોહીના કોઈ નિશાન નથી. બીજુ જે ત્રણ તસવીરો છે. તેમાંથી ત્રીજી તસવીર કે જયાં બોગસ મૂઠભેડ થઈ હતી ત્યાંની છે. જયાં લોહી ખૂબ ઓછું પડેલુ જણાય છે અને થોડું લોહી જમણા હાથ પાસે દેખાય છે. બીજે કયાંય લોહીના નિશાન નથી એટલે જ અમે કહીએ છીએ કે કેટલો પણ મોટો ગુનેગાર કેમ ન હોય ? પોલીસને તેને મારવાનો હક કોણે આપ્યો ? તેવો પ્રશ્ન ઉઠાવાયો છે.

ત્રણ મુસ્લિમ ધારાસભ્યો દ્વારા ઉચ્ચસ્તરીય તપાસની માંગ

લુણાવાડાના સાજીદના પોલીસ એન્કાઉન્ટરના મોત બાદ તેના રાજયભરના મુસ્લિમ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. કોઈપણ ગુનેગાર હોય તેને ન્યાયિક પ્રક્રિયા બાદ સજા થાય તે યોગ્ય પધ્ધતિ છે પરંતુ ચોરી જેવા મામુલી ગુનાના આરોપીને એન્કાઉન્ટરના નામે મારી નાખવામાં આવે તે કયાંનો ન્યાય ? આ ઘટનાની નિંદા કરી ગુજરાતના ત્રણે મુસ્લિમ ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, મોહમ્મદ જાવેદ પીરઝાદા અને ઈમરાન ખેડાવાલા આવતીકાલે મુખ્યમંત્રીને મળી આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ થાય તેની માગણી કરશે. જો તેમ કરવામાં નહીં આવે તો હાઈકોર્ટના દ્વાર ખટખટાવાની ફરજ પડશે એમ જણાવાયું છે.