સુરત,તા.૨૪
સુરતના ઓલપાડના સાયણ ગામમાં ગણેશ વિસર્જન દરમિયાન જૂથ અથડામણની ઘટના સામે આવી હતી. ગણેશ વિસર્જન દરમિયાન રસ્તામાં સાઇડ આપવા મુદ્દે એક શખ્સે છરી વડે હુમલો કરતા એકનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ સોમવારે સાયણ ગામ ખાતે બંધનું એલાન કરવામાં આવ્યું હતું. સોમવારે ગામની બજારો તેમજ શાળા અને આંગણવાડી બંધ રહી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
હત્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. જે બાદ મહિલાઓનું ટોળું પોલીસ સ્ટેશન દોડી આવ્યું હતું અને આરોપીને તેમને સોંપી દેવા કહ્યું હતું. પ્રાથમિક વિગત પ્રમાણે સુરતના ઓલપાડના સાયણમાં ધામધૂમ પૂર્વક ગણેશ વિસર્જનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, આ દરમિયાન રસ્તા પર એક વ્યક્તિ કાર લઇને નીકળ્યો હતો. જેણે સાઇડ આપવા મુદ્દે ગેણેશ વિસર્જન કાર્યક્રમના આયોજક સાથે બોલાચાલી કરી હતી. બાદમાં ઘર્ષણ એટલું વધી ગયું કે કાર સવાર શખ્સે આડેધડ ચપ્પુના ઘા મારવાનું શરૂ કરી દીધું હતું. ઘટનામાં ૬ લોકો ઘાયલ થયા હતા, જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.