જૂનાગઢ,તા.પ
જૂનાગઢ જિલ્લાના વંથલી શહેરમાં ગઈ કાલે ગેરકાયદેસર ખનન મુદ્દે ગ્રામજનોએ આજે બીજા દિવસે પણ ગામ બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો છે અને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ દરમ્યાન મામલો બિચકતા પથ્થરમારો થયો હતો. જેની સામે પોલીસે ટીયરગેસના સેલ છોડયા હતા. આ દરમ્યાન ૩ પોલીસ કર્મચારીઓને પણ ઈજા પહોંચી હતી. બીજી તરફ પોલીસે ધારાસભ્ય જવાહર ચાવડાની અટકાયત કરી હતી. આ સાથે જ ગેરકાયદેસર ખનનના વિરોધમાં ગામ લોકોએ બંધ પાળ્યો હતો. વંથલીની ઓઝત નદી ખોદી નાખી તેમાંથી રેતી કાઢતા લુખ્ખા તત્વોને સરકારી તંત્ર છાવરતું હોવાની વાતને લઈ ગ્રામજનોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. જેથી રોષે ભરાયેલા ખેડૂતો અને ગ્રામવાસીઓ ટાયરો સળગાવીને રસ્તા ઉપર ચક્કારજામ કર્યો હતો અને સમગ્ર ગ્રામ સજ્જડ બંધ જોવા મળ્યું હતું. તો ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આવા લુખ્ખા તત્વો સામે ખાતાકીય કડક પગલા નહીં ભરાય તો ર૯ જૂનના રોજ જૂનાગઢ કલેક્ટર કચેરીમાં ૪૦થી પ૦ સ્ત્રી-પુરૂષ ખેડૂતો આત્મવિલોપન કરી જીવ આપશે. દરમ્યાન નયનભાઈ જાદવભાઈ કલોલ (ઉ.વ.૪પ, રહે.વંથલીવાળા) ખેડૂત ઉપર લુખ્ખા તત્વોએ હિચકારો હુમલો કરતા તેઓને લોહી લૂહાણ હાલતમાં સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાદમાં પરિસ્થિતિ વધુ તંગ બની હતી અને પોલીસ ઉપર લોકોએ પથ્થરમારો કર્યો હતો. ટોળાને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. તેમજ ધારાસભ્ય જવાહર ચાવડાની અટકાયત કરી હતી. દરમ્યાન આજે પણ વંથલી અને માણાવદર સજ્જડ બંધ રહ્યાં છે. પોલીસે સરકારી મિલકતને નુકશાન અને સુલેહ-શાંતિનાં ભંગ બદલ ૩૧૧ વ્યક્તિનાં ટોળા ઉપર ફરિયાદ નોંધાવી છે.
યમુના એગ્રો સામે રોડ ઉપર બનેલા બનાવ અંગે નયનભાઈ જાદવભાઈ કલોલા (ઉ.વ.૪પ, રહે.વંથલીવાળા)એ ચાર અજાણ્યા શખ્સો વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે આ કામનાં આરોપીઓ પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડી ફરિયાદીને સફેદ કલરની ફોરવ્હીલ કારમાં એકાંત જગ્યાએ લઈ જઈ અને તેનાં ઉપર લોખંડનાં પાઈપો વડે પગમાં બેફામ મારમારી ફ્રેક્ચર કરી નાખેલ છે. તેમજ રોડ ઉપર ફેંકી દઈ નાસી છૂટયા હોવાનું પોલીસમાં જણાવતાં પોલીસે આ કામના આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ આર.કે.ગોહિલ ચલાવી રહ્યા છે. ખેડૂતોને ફરિયાદીએ વાતચીતમાં જણાવ્યું હતું કે રેતી ચોરી થાય છે તે અંગેની ફરિયાદ કરી હતી. જેના અનુસંધાને આ બનાવ બન્યો હોય તેમ ખેડૂતો બોલી રહ્યા છે.