(એજન્સી) શ્રીનગર, તા. ૨૨
જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસનની ૧૯મી ડિસેમ્બરની સમયમર્યાદા પહેલા પીડીપી, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે બુધવારે ગઠબંધન બનાવ્યું હતું. અહેવાલો અનુસાર પીડીપીના અલ્તાફ બુખારીને ત્રણેય પાર્ટીના સર્વસંમત મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવાયા હતા. ભાજપને રાજ્યમાંથી શાસનમાંથી દૂર કરવા માટે મુખ્ય પ્રવાહની પાર્ટીઓ એક થઇ ગઇ હતી. ૨૦૦૨ અને ૨૦૦૭માં સરકારમાં ભાગીદાર રહેલા પીડીપી અને કોંગ્રેસના આ વખતે પણ એનસી પાછળથી ટેકો આપવા માટે તૈયાર થઇ ગઇ હતી. પીડીપી પાસે ૨૮, એનસી પાસે ૧૫ અને કોંગ્રેસ પાસે ૧૨ ધારાસભ્યો છે જેના દ્વારા તેઓ મળીને રાજ્યમાં સરકાર રચી શકતા હતા પરંતુ અંતિમ ઘડીએ રાજ્યપાલ મલિકે વિધાનસભા ભંગ કરવાનો નિર્ણય લેતા આ પ્રયાસો પર પાણી ફરી ગયું હતું. રાજ્યમાં બહુમતી માટે ૪૪ સભ્યો હોવા જરૂરી હતા જ્યારે બળવાખોર અને પોતાની પીપલ્સ પાર્ટી બનાવી ભાજપનું સમર્થન મેળવી ચુકેલા સજ્જાદ લોને પોતાના બે સભ્યો સાથે ભાજપના ૨૫ સભ્યોને ટેકો આપતા કોઇની પણ બહુમતી પુરવાર થતી ન હોવાને કારણે રાજ્યપાલ સત્યપાલ મલિકે આખરે વિધાનસભા ભંગ કરી દીધી હતી. સજ્જાદ લોન ભાજપ દ્વારા સરકારમાંથી ટેકો પરત ખેંચી લીધા બાદ પીડીપીમાંથી અલગ થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, અલ્તાફ બુખારી એશિયામાં ફ્રૂટ જ્યૂસ બનાવનારી ત્રીજું સૌથી મોટું યુનિટ ધરાવતી એફઆઇલ ઇન્ડસ્ટ્રીઝના માલિક છે અને મોટા ઉદ્યોગપતિ તથા બાગાયતશાસ્ત્રી છે. ભૂતકાળમાં તેઓ રાષ્ટ્રીય બાગાયતશાસ્ત્ર બોર્ડના ડાયરેક્ટર્સની પેનલમાં હતા અને આઇઆઇટી દિલ્હીના બોર્ડ ઓફ ગવર્નર્સમાં સામેલ હતા. સિનિયર નેતાએ જમ્મુ અને કાશ્મીરમાં એગ્રીકલ્ચર સાયન્સ અને ટેકનોલોજી યુનિવર્સટી શેર-એ કાશ્મીરના બોર્ડ ઓફ મેનેજમેન્ટની પણ ભૂમિકા ભજવી છે. વર્ષ ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણીમાં ભાગ લઇ અલ્તાફ બુખારીએ શ્રીનગરની અમીરા કડાલ વિધાનસભામાં જીત મેળવી હતી. અહીં પીડીપીના આ નેતાએ ભાજપના હીના ભટને હરાવ્યા હતા. માર્ચ ૨૦૧૪માં અલ્તાફ બુખારીને રાજ્યના નાણામંત્રી તરીકે નિયુક્ત કરાયા હતા. તેમને હસીબ દ્રાબુનું સ્થાન અપાયું હતું જેમણે કાશ્મીર રાજકીય સમસ્યા નથી તેવું નિવેદન આપતા મહેબૂબા મુફ્તિએ તેમને પદ પરથી હટાવી દીધા હતા. છેલ્લા પાંચ મહિનાથી રાજ્યપાલ શાસન હેઠળ રહેલા રાજ્યમાં ત્રણેય પાર્ટી માટે અલ્તાફ બુખારી મુખ્યમંત્રી માટે મજબૂત દાવેદાર હતા. પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ સાથે વાતચીત બાદ ત્રણેય પાર્ટીઓએ અલ્તાફ બુખારીને મુખ્યમંત્રી પદ માટે સર્વસંમત રીતે સ્વીકાર્યા હતા. બુધવારે અલ્તાફ બુખારીએ નિવેદન આપતા એમ પણ જણાવ્યું હતું કે, ત્રણેય પાર્ટીઓએ હાથ મિલાવવાનું નક્કી કર્યુ છે અને ટૂંક સમયમાં તમને સારા સમાચાર મળશે.