(એજન્સી) મુંબઈ, તા.૧૮
૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોમાં કોંગ્રેસી નેતા સજ્જનકુમારને સજા થયા બાદ વડાપ્રધાન મોદીએ આ મામલામાં પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ચાર વર્ષ પહેલા કોઈએ વિચાર્યુ નહોતું કે આ રમખાણોમાં દોષી કોંગ્રેસી નેતાઓને સજા પણ મળશે.લોકોને ન્યાય મળશે.
તેમણે એક ટીવી ચેનલના કાર્યક્રમમાં કહ્યું હતું કે ચાર વર્ષ પહેલો તો કોઈએ એમ પણ નહોતુ વિચાર્યુ કે હેલિકોપ્ટર ડીલનો જાણભેદું અને વચેટિયો ક્રિશ્ચિયન મિશેલ ભારતમાં હશે અને આ મામલાની માહિતી આપતો હશે.
મોદીએ રાફેલ ડીલનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે એવુંં પણ પહેલી વખત થયું છે કે સરકાર માટે કોર્ટે કહ્યું હોય કે જે પણ કામ થયુ છે તે પારદર્શકતા સાથે અને ઈમાનદારીથી થયું છે. સરકાર માટે કોર્ટ આવુ કહે તે પણ આપણા દેશમાં ચાર વર્ષ પહેલા કોઈએ વિચાર્યુ નહિ હોય.
તેમણે વધુમાં કહ્યું હતું કે જ્યારે સરકાર સામે ગોટાળા અને ભ્રષ્ટાચારના આરોપ લગાવીને કોર્ટમાં કોઈ જાય છે ત્યારે એવુ માની લેવાય છે કે સરકાર ખોટી હશે અને આરોપ લગાવનાર સાચો.
તેમણે કહ્યું હતુંં કે ચાર વર્ષમાં ટેક્સ આપનારાની સંખ્યા ૩.૮૦ કરોડ હતી અને આજે સાત કરોડ પર પહોંચી છે. આ પણ એક તસવીર છે જે દેશ સામે છે.