(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૨
લોકસભાની ચૂંટણીઓની તારીખો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યા બાદ રાજકીય પક્ષોના નેતાઓ વચ્ચે ટિકિટ અંગે ખેંચતાણ શરૂ થઇ ગઇ છે. ભાજપના સાંસદ સાક્ષી મહારાજે ટિકિટ અંગે પોતાના પક્ષને ધમકી આપી દીધી છે. સાક્ષી મહારાજે ઉત્તર પ્રદેશ ભાજપના પ્રમુખ મહેન્દ્રનાથ પાંડેને પાઠવેલા પત્રમાં જણાવ્યું કે જો તેમને ટિકિટ આપવામાં નહીં આવે તો તેના પરિણામ સારા આવશે નહીં. સાક્ષી મહારાજના સંસદીય મતવિસ્તાર ઉન્નાવમાં ઓબીસી મતદાતાઓનું પ્રતિનિધિત્વ નથી પરંતુ તેમણે પોતાની મહેનતથી પાર્ટીને ઉભી કરી છે અને તેના કારણે જ ભાજપે આશરે ૧૫ વર્ષ બાદ ૨૦૧૪માં ઉન્નાવની સીટ જીતી હતી. જો તેમને ઉન્નાવની ટિકિટ નહીં મળે તો ગંભીર પરિણામની સાક્ષી મહારાજે ચેતવણી આપી છે. નોંધનીય છે કે કોંગ્રેસે ઉન્નાવથી પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે આ વખતે ફરી અનુ ટંડનને ઉન્નાવના ઉમેદવાર બનાવ્યા છે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભાજપ આ વખતે સાંસદોના રિપોર્ટ કાર્ડ જોઇને જ તેમને ફરી ટિકિટ આપશે. ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજને આ વખતે પડતા મુકવામાં આવે એટલે કે તેમની ટિકિટ કપાવાની જોરદાર ચર્ચા ચાલી રહી છે. આવી પરિસ્થિતિમાં સાક્ષી મહારાજ પોતાની ટિકિટ બચાવવાના પ્રયાસો કરી રહ્યા છે. તેમણે પત્રમાં એવું પણ લખ્યું છે કે ઉન્નાવ સિવાય અન્ય કોઇ સીટ પરથી ચૂંટણી લડવાનો તેમનો કોઇ ઇરાદો નથી. તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પાર્ટી તેમની સાથે અન્યાય કરશે નહીં અને ઉન્નાવની ટિકિટ તેમને જ મળશે. તેમણે પત્રમાં એવું પણ લખ્યું છે કે જો પક્ષ તેમની ઉમેદવારી અંગે કોઇ જુદો નિર્ણય લેશે તો તેનાથી રાજ્ય અને દેશના કરોડો કાર્યકરોની લાગણી દુભાશે અને પક્ષના આ નિર્ણયના સુખદ પરિણામ આવશે નહીં.