(એજન્સી) ઉન્નાવ, તા.૮
ભાજપના સાંસદ સાક્ષી મહારાજે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને તેમની સામે ચૂંટણી લડવાનો પડકાર ફેંકી કહ્યું છે કે જો તેઓ હારી જશે તો રાજકારણ છોડી દેશે.
સાક્ષી મહારાજે કહ્યું કે ર૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ઉન્નાવ મતક્ષેત્રમાંથી ચૂંટણી લડવા હું રાહુલ ગાંધીને પડકાર ફેંકુ છું. જો હું હારીશ તો રાજકારણ છોડી દઈશ અને રાહુલ ગાંધી હારે તો તેમણે ભારત છોડી ઈટાલી જવું જોઈએ. રાહુલ ગાંધીની માનસરોવર યાત્રાને સાક્ષી મહારાજે અપવિત્ર ગણાવી હતી. અમે યાત્રાનો વિરોધ કરતા નથી. પરંતુ શાસ્ત્રના નિયમ મુજબ પહેલા શુદ્ધ બનવું પડે. મંદિરમાં પ્રવેશ પહેલાં પવિત્ર થવું પડે. નોનવેજ ખોરાક લીધા પછી દર્શન કરવાનો અર્થ સરતો નથી. ક્યારેક તેઓ ટોપી પહેરી શીવભક્ત બને છે.
તેમણે કહ્યું કે ઈટાવામાં સપાના પ્રમુખ અખિલેશ યાદવ ભગવાન વિષ્ણુનું ભવ્ય મંદિર નિર્માણ કરે તો તે આવકારદાયક હશે.
શું રામમંદિર મુદ્દો ર૦૧૯નો ચૂંટણી મુદ્દો હશે ? તેવા પ્રશ્નના જવાબમાં સાક્ષી મહારાજે કહ્યું કે અત્યારે મુદ્દો સબકા સાથ સબકા વિકાસ છે. પરંતુ યુદ્ધ સમયે મુદ્દો સ્થિતિ મુજબ હશે. વિપક્ષો ભાજપ સામે હારથી ડરે છે એટલે ગઠબંધનની વાતો કરે છે.