(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૮
શહેરનાં માંડવી સ્થિત શામળબેચરની પોળમાં આવેલી સોનુ રીફાઇડ કરતી દુકાનનાં ત્રીજા માળે મુકેલ ડ્રમમાંથી રૂા.૫૫.૨૨ લાખની કિંમતનું લીકવીડ સોનું સાળા-બનેવી ચોરી કરી ગયા હોવાની ફરીયાદ આજે દુકાનનાં માલિકે સીટી પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર લાલબાગ પાસે સરસ્વતી સોસાયટીમાં રહેતાં રાણીબેન રામક્રિશ્ન સોપાન (જાધવ) માંડવી સ્થિત શામળબેચરની પોળમાં શ્રીરામ આર્ટ નામની સોનું રીફાઇન કરવાની દુકાન ધરાવે છે. ભારત સરકાર પાસેથી સોનુ શુદ્ધ કરવાનું લાયસન્સ પણ ધરાવે છે. તેઓ વડોદરા ઉપરાંત પાદરા તથા અમદાવાદમાં પણ શાખા ધરાવે છે. મોટા વેપારીઓ તેમણે સોનું ગાળવા માટે આપે છે. તેમણી પાદરા શાખામાં જીતેન્દ્ર અશોકભાઇ જાદવ (રહે.પાદરા) છેલ્લાં ૧૦ વર્ષથી ભાગીદાર તરીકે કામ કરે છે. જીતેન્દ્ર ભાગીદાર હોવાને કારણે શામળબેચરની પોળમાં આવેલી દુકાને પણ અવારનવાર આવતા હતા. ગત તા.૨૪મીનાં રોજ રાત્રીનાં સમયે દુકાન બંધ હતી તે વખતે જીતેન્દ્ર જાધવ તથા શામળબેચરની પોળમાં રહેતો સાળો આકાશ ગાડર્ગે દુકાનમાં બીજા માળે ડ્રમમાં મુકેલ લીકવીડ સોનું પાઇપ નાખી ચોરી લીધું હતું. સવારે ડ્રમમાંથી રૂા.૫૫.૨૨ લાખનો ૨૭૬૧.૪૭ ગ્રામ સોનું ઓછી જણાતા દુકાનનાં કર્મચારીએ રાણીબેનને આ અંગે જાણ કરી હતી. જેથી તપાસ કરતાં ત્રીજા માળે બાજુનાં મકાનમાંથી દુકાનમાં ઘુસેલા તસ્કરો પાઇપ નાખી કારબામાં મુકેલ લીકવીડ સોનું ચોરી કરી ગયા હોવાનું માલુમ પડયું હતું. ત્રીજા માળે બાજુનાં મકાનમાં પ્રવાહી સોનાનાં નમુના પણ પડેલા મળી આવ્યા હતા. નજીકનાં એટીએમ અને સીસીટીવી કૂટેજ જોતાં જીતેન્દ્ર જાધવ અને તેનો સાળો સાથે આવતા અને બાદમાં કારમાં રવાના થતા કેદ થયા હતા. આકાશ ગાડર્ગેનું દુકાનની બાજુમાં મકાન આવેલું છે. એટીએમનાં સિક્યુરીટીની જવાનની પુછપરછ કરતાં તેણે સાળા-બનેલી રાત્રીનાં સમયે આવ્યા હતા. અને કાર લઇને અંદર ગયા હતા. જેથી આ ચોરી સાળા-બનેવીએ કરી હોવાની પાકી ખાતરી થતા રાણીબેનને ભાગીદાર જીતેન્દ્ર અને તેના સાળા અશોક ગાડર્ગે સામે સીટી પોલીસ મથકમાં રૂા.૫૫.૨૨ લાખનાં પ્રવાહી સોનાની ચોરી કરી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.