ઉસ કૌમ મેં હૈ શોખી-એ-અંદેશા ખતરનાક
જિસ કૌમ કે અફરાદ હો હર બંદ સે આઝાદ

વાસ્તવમાં હિંસાની માનસિકતા એક બહુ જ ઘાતક અને ખરાબ રોગ છે. તેની વિરૂદ્ધ સમગ્ર માનવજાતે લડવાનું છે અને એક થઈને અવાજ બુલંદ કરવાનો છે. આ એક એવું જોખમ છે, જે કોઈ દેશ અથવા જાતિ વિશેષનું નથી, પરંતુ સંપૂર્ણ માનવતા માટે જોખમકારક છે. તમામ સંપ્રદાયના નિઃશસ્ત્ર, ભોળા-ગરીબ લોકો હુલ્લડોનો ભોગ બને છે. અને આ હુલ્લડો ભડકાવનારા ગુંડાઓની કોઈ જાતિ નથી હોતી તેમનો ઉદ્દેશ ફક્ત હિંસા ભડકાવવાનો હોય છે અને તેનો ભોગ બને છે અનેક નિર્દોષ જીવ ! હિંસક વૃત્તિઓ પર હાલમાં જ મનોવિજ્ઞાને અભ્યાસ કર્યો છે. વ્યક્તિ અને સમાજ પ્રત્યેક દૃષ્ટિએ વિચાર કર્યો અને તેનું તારણ આવ્યું કે, હિંસા મનુષ્યનો સ્વભાવ છે તે યુદ્ધ પ્રિય પ્રાણી છે અને પ્રત્યેક નવોદિતને ઘૃણા અને દ્વેષની દૃષ્ટિએ જુએ છે. ધર્મ તથા અન્ય સંસ્થાઓ લાંબા સમયથી પરસ્પર સહયોગ, સહાનુભૂતિ તથા પરોપકારનો પાઠ શીખવી રહ્યા છે. પરંતુ મનુષ્યના સ્વભાવમાં પરિવર્તન આવ્યું નથી. તેનાથી વિરૂદ્ધ ભારતીય વિચારકોનો મત છે કે મનુષ્યમાં હિંસક વૃત્તિઓ સ્વાભાવિક નથી તે એક વિકાર છે. હિંસાનું એક પાસું મહિલાઓ સાથે પણ જોડાયેલું છે. ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ મહિલાઓ વિવિધ પ્રકારની હિંસાઓનો ભોગ બની રહી છે. આ અત્યાચાર વર્તમાન પરિસ્થિતિઓનું પરિણામ નથી પરંતુ મહિલાઓ સદીઓથી અનેક શોષણ, અપમાન, યાતનાઓનો ભોગ બનતી આવી રહી છે. મહિલાઓની સમસ્યા પાછળ સામાજિક તથા પારિવારિક બન્ને પરિબળો સક્રિય છે તે ફક્ત સમાજના જ નહીં પરંતુ પરિવારના સભ્યો દ્વારા કરાતા અત્યાચારનો પણ ભોગ બને છે. ભલે મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે અને તેની આર્થિક સ્વતંત્રતામાં વૃદ્ધિ થઈ છે પરંતુ હકીકતમાં તે કોઈપણ રીતે માનવીય શોષણનો શિકાર બને છે. મહિલાઓ વિરૂદ્ધ થતી હિંસાઓને રોકવા માટે અનેક ઉપાયો કરવામાં આવે છે પરંતુ આ ઉપાયોને રાષ્ટ્રવ્યાપી રૂપે સક્રિય બનાવવાની જરૂરિયાત છે તેના માટે સ્વયંસેવી સંસ્થાઓ અને અદાલતો સ્થાપવામાં આવી છે પરંતુ તે નિશ્ચિતરૂપે અસરકારક સાબિત થઈ શકતા નથી કારણ કે તેમને પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
પ્રથમ તસવીર સળગતા પુષ્પની છે જે હાલ સમાજમાં સ્ત્રીની સ્થિતિ દર્શાવે છે. તસવીર જોઈને જ સમજી શકાય કે સમાજમાં સ્ત્રીનું સ્થાન એક ‘સળગતા પુષ્પ’ જેવું છે.
બીજી તસવીર ઝારા નામની સગીરાના વિલાપ કરતાં ભાઈની છે દ્વારા ૧૪ વર્ષની ગર્ભવતી સગીરા હતી. કાબુલમાં પોતાના જ પતિના ઘરમાં તેને સળગાવી દેવામાં આવી, જેના કારણે તેનું મોત નિપજ્યું હતું. તેના લગ્ન સમયે કરવામાં આવેલા કરારો નિષ્ફળ રહેતા, બદલાની ભાવના સાથે તેના સાસરિયાઓએ તેના પર અત્યાચાર ગુજાર્યો અને તેને આગ ચાંપીને મોતને ઘાટ ઉતારી દીધી. વિશ્વમાં દરરોજ આવી કેટલીય ઝારા આવી હિંસાનો ભોગ બનતી રહે છે.