માંગરોળ, તા.૧૨
‘વાયુ’ નામી આવનારા વાવાઝોડાની કુદરતી આફતના પગલે જૂનાગઢ જિલ્લા કલેકટર અને એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સવારે માંગરોળ ખાતે દોડી આવ્યા હતા. વાવાઝોડાને પગલે જિલ્લા કલેક્ટરની મીટિંગ બોલાવી, માંગરોળ બંદર, શેરીયાજ બારા, ચોરવાડ, શીલ બારા વિસ્તારની સમીક્ષા કરાવવામાં આવી હતી. આ સાથે જ રાજ્યના મંત્રી જવાહર ચાવડા માંગરોળના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. માંગરોળના શેરીયાજ બારાના દરિયાઇ કાંઠા પર રહેતા ૪૦૦ જેટલા લોકોને સ્થળાંતર કરાવી શારદાગ્રામ કેમ્પસમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ બંદર પરના કિનારા પર આવેલ પંજાબ વિસ્તારમાં રહેતા ખારવા લોકોને પણ બંદરના સોમનાથ ભવનમાં સ્થળાંતર કરાયા છે. તદ્‌ઉપરાંત શીલ સહીતના ૧૨ જેટલા ગામોમાં દરિયા કિનારે વસવાટ કરતા અને નિચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા પરિવારોને અગમચેતી રૂપે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
વાવાઝોડું માંગરોળને સૌથી વધુ અસર કરે તેવી શક્યતા ના પગલે તંત્ર હાઈ એલર્ટ થયું છે. તાલુકા તંત્રના તમામ વિભાગો ખડે પગે થયા છે. વિજ કંપનીએ પણ વાવાઝોડા સામે બાથ ભરવા કમર કસી છે. રજા પર રહેલા પાલિકાના ચીફઓફીસર પરબત ચાવડા ફરજ પર હાજર થઈ ગયા છે. પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ સહિત સદસ્યોને સાથે રાખી શહેરની સ્થિતિની સમિક્ષા કરી સુધરાઈ તંત્રને આવનાર ખતરાથી નિપટવા કામે લગાડયું છે. પાલિકાની ટીમે શહેરના તમામ નાના-મોટા હોર્ડિંગ્સ ઉતારી રહી છે.
મામલતદાર કચેરીમાં પ્રજા સાથે જીવંત સંપર્ક જાળવી રાખવા રાઉન્ડ ધ કલોક કંટ્રોલરૂમ શરૂ કરાયો છે. આફતના સમયે મદદરૂપ થવા રેસ્કયુ ટીમોનું આગમન થયું છે. જેમાં NDRF ૫૮ યુવાનોની એક ટીમને ગાંધી વાડીમાં ઉતારો અપાયો છે.
દરિયામા કરંટ વધતા દરિયો ગાંડો તુર બન્યો છે. વળી સમયાંતરે પવનના ઝોટાઓ આવતા શહેરના રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડવા લાગી છે. વાદળછાયા તેજ પવનના વાતાવરણમાં લોકોએ ઘરમાં રહેવાનુ પસંદ કરતા શહેરમાં સોપો પડી જતાં રસ્તાઓ ભેકરાણ બની ગયા છે. માંગરોળ, શિલ, માંગરોળ મરીન પોલીસ ડીવાયએસપી વાસમશેટ્ટી, પીએસઆઇ રામ, પીએસઆઇ દેસાઇના નેતૃત્વમાં ખડેપગે રહી સતત શહેર તેમજ દરિયાઇ પટ્ટી પર પેટ્રોલિંગ કરી રહી છે. તાલુકાનો મેડિકલ વિભાગ પણ એલર્ટ થયો છે. સંવેદનશીલ વિસ્તારોમાં ૨૫ ૨૫ એસ.ટી. બસો સ્ટેન્ડ બાય કરી દેવાઈ છે. જરૂર લાગતા વધુ બસો મંગાવી લેવામાં આવશે.