અમરેલી તા.૧૨
વાયુ વાવાઝોડાને લઇ અમરેલી જિલ્લા કલેકટર આયુષ ઓક તેમજ જિલ્લા વિકાસ અધિકારી પાડલીયા દ્વારા જાફરાબાદ તેમજ રાજુલા તાલુકાના સંભવિત પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી હતી વાયુ વાવાઝોડું લગભગ આવતીકાલ સુધીમાં અથવા આજ મોડી રાત્રી દરમ્યાન અમરેલી જિલ્લાના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના વર્તાઈ રહી છે તેને લઇ અમરેલી જિલ્લા વહીવટી તંત્ર સજ્જ કરી દેવાયેલ છે, અને જરૂરી વાવાઝોડા સામે સલામતી સંદર્ભે કામગીરી હાથ ધરાઈ છે, રાજુલામાં ૧૩ અને જાફરાબાદમાં ૧૦ એમ ૨૩ ગામોમાં ૫૭ આશ્રય સ્થાનો પર અંદાજે ૬૦૦૦ લોકોને સ્થળાંતર કરી દવાયા હતા.
વાવાઝોડા સામે સલામતી સ્વરૂપે એનડીઆરએફની ૫ ટીમો અને એક ટીમ એસડીઆરએફની સલામતી માટે ખડેપગ મૂકી દેવામાં આવી છે, જાફરાબાદના તમામ માછીમારોએ પોતાની ૬૫૦ બોટો દરિયા કાંઠે લાંગરી દીધેલ છે અને દરિયો ન ખેડવા સૂચના પણ આપી દેવામાં આવી છે, જિલ્લામાં વાવઝોડાને લઇ જિલ્લાનો કંટ્રોલ રૂમ ૨૪ કલાક કાર્યરત કરી દેવામાં આવેલ છે, વાવાઝોડાને લઇ ક્લસ્ટર વાઈજ ટીમોની રચના કરવામાં આવેલ છે અને બને તાલુકામાં વર્ગ ૧ના ૭ અધિકારીઓ તેમજ વર્ગ ૨ના ૨ અને વર્ગ ૩ના ૫૫ અધિકારીઓની નિમુખ કરી કામગીરી સોંપવામાં આવેલ છે, વાવઝોડાનાં કારણે જિલ્લામાંથી અકસ્માત સર્જે તેવા ૧૮ હોર્ડિંગ હટાવી લેવામાં આવેલ હતા. જેમાં જાફરાબાદમાંથી ૫ હોર્ડિંગ બોર્ડ હટાવી લેવામાં આવેલ હતા તેમજ બગસરમાંથી ૮ અને ચલાલામાંથી ૫ હોર્ડિંગ બોર્ડ હટાવી લીધેલ હતા.