ભૂજ, તા. રપ
નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થતા જ ગુજરાતના શાસક પક્ષના નેતાઓ રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં પહોંચી પ્રવેશોત્સવની ઉજવણીની તસવીરો ખેંચવી મીડિયામાં સસ્તી પ્રસિદ્ધીની તક ઝડપી લે છે જ્યારે હકીકત એ છે કે જેટલી શક્તિ શિક્ષણના ઉત્સવોના તાયફા પાછળ ખર્ચવામાં આવે છે તેટલી શક્તિ પ્રાથમિક શિક્ષણના કુશળ વહીવટ પાછળ ખર્ચવામાં આવે તો ન ફક્ત કચ્છના પ્રાથમિક શિક્ષણની સ્થિતિ પાટે ચડી જાય બલ્કે કચ્છના P.T.C.B.ed. બેરોજગારોને પણ રોજગારી મળી રહે.
કચ્છમાં શિક્ષણની સ્થિતિ અત્યંત દયનીય છે. ધો ૬થી ૮ ઉચ્ચ પ્રાથમિકમાં એક તૃત્યંશ શિક્ષકોની ઘટ છે. રાઈટ ટુ એજ્યુકેશન (R.T.E.)ના વૈશ્વિક નિયમ મુજબ ધો-૮ (૧૪ વર્ષના બાળક) સુધીનું શિક્ષણ દરેક બાળકોનો આ અધિકાર માત્ર શાળાઓમાં પ્રવેશ અપાવવાથી કે પ્રવેશોત્સવના સમાચારો પ્રસિદ્ધ કરવાથી પૂરો નથી થઈ જતો બલ્કે બાળકોને ખરા અર્થમાં શિક્ષણ અપાવવાથી થાય છે.
કચ્છ જિલ્લા પંચાયતમાંથી પ્રાપ્ત થયેલ આંકડા મુજબ ધો. ૬થી ૮ માટે કચ્છ જિલ્લામાં ૪૭૩પ શિક્ષકો મંજૂર થયેલા છે જ્યારે ૧પપ૭ શિક્ષકોની ઘટ છે એટલે ૩ર.૮૮% એટલે કે એક તૃત્યાંશ શિક્ષકોની ઘટ છે દેખાતી રીતે જ્યારે ત્રણ શિક્ષકમાંથી એક શિક્ષક કાયમ ઓછો હોય તો બધા વિષયના કોર્ષ કઈ રીતે પુરા થઈ શકે ? સામાન્યતઃ એક શિક્ષક માસમાં એકાદ બે રજાઓ રાખતા હોય છે તો તે બે દિવસ સૂચિત અભ્યાસક્રમ કઈ રીતે આગળ ધપતો હશે ?
કચ્છમાં એક પી.ટી.સી. અને બી.એડ શિક્ષિત યુવક-યુવતીઓ બરોજગારીમાં સમય પસાર કરી રહ્યા છે અથવા તો ખાનગી પ્રાથમિક શાળાઓમાં રૂા. ચાર-પાંચ હજારના વેતનમાં સબડી રહ્યા છે અને બીજી તરફ શિક્ષકોની ઘટના લીધે કચ્છ જિલ્લાનો ત્રીજા ભાગનો શિક્ષણ ખાડે જઈ રહ્યો છે. બી.એડ ઉત્તીર્ણ થયેલ શિક્ષકોની બેરોજગારીનો આલમ એ છે કે આંગણવાડીની નોકરી માટે પણ તેમને વલખા મારવા પડે છે. સૌથી ખરાબ સ્થિતિ કચ્છના આંતરીયાળ વિસ્તારોની છે જ્યાં કચ્છ બહારના શિક્ષકો જવાનું પંસદ નથી કરતા. અબડાસામા પ૮.૪૮%, લખપતમાં પપ.૬૮% અને રાપરમાં ૪પ.૪૦% શિક્ષકોની ઘટ છે. આ ત્રણ તાલુકામાં અડધો અડધ શિક્ષકોની જગ્યાઓ કાયદેસરની ખાલી છે. આવામાં શિક્ષણના મૂળભૂત અધિકારોનું પાલન કઈ રીતે થઈ શકે ? ઉક્ત આંકડા રેકર્ડ મુજબ છે. ઓફ ધ રેકર્ડ ગુટલી મારતા શિક્ષકોનો હિસાબ માંડીએ સમજાશે કે ધોરણ-૮ સુધીના વિદ્યાર્થીઓને યેન-કેન પ્રકારે પરીક્ષાઓમાં ઉપલા ધોરણમાં ચડાવી દેવામાં આવે છે. જેથી રેકર્ડ પર સબ સલામત હૈની સ્થિતિ બની રહે. કચ્છમાં પ્રાથમિક શિક્ષણની સમસ્યા વર્ષો જૂની છે. આ સમસ્યાના નિરાકરણ માટે કચ્છ જિલ્લામાં શિક્ષક ભરતીની પ્રક્રિયા જિલ્લા સ્તરે કરવામાં આવે અને કચ્છીઓને નિયુક્તિની પ્રથમ તક આપવામાં આવે જેથી જગ્યાઓ ખાલી ન રહે અને કચ્છના બાળકોને તેમના મૂળભૂત અધિકાર પ્રાપ્ત થતા રહે.
શિક્ષણ ખાતાનો અણઆવડતનો વરવો નમૂનો ધોરણ-૧થી પ વિભાગમાં નજરે આવે છે. જ્યાં કચ્છ જિલ્લામાં ૧ર.૭૪% શિક્ષકોની ઘટ છે આમે બાજુએ કચ્છની એવી ઘણી પ્રાથમિક શાળાઓ છે. જ્યાં જરૂરત કરતા વધારે શિક્ષકો છે. આવા વધારાની શિક્ષકોની સંખ્યા ૮.૩પ% છે એટલે જો વ્હાલા દવલાની નીતિ ત્યજી અને શાળાઓની જરૂરત મુજબ પોસ્ટીગ કરવામાં આવે તો ૧ર.૭૪%ની ઘટ નિવારી માત્ર ૪.૩૮% ઘટ રહી જાય છે.
શાસક નેતાઓ ઉત્સવો પાછળ પ્રાપ્ત થતી સસ્તી પ્રસિદ્ધિનો મોહ ત્યજી અને કુશળ વહીવટ પર ધ્યાન આપે અથવા તો સરકારી અધિકરીઓને મુક્ત અને ફરજ બજવણીમાં રાજકીય હસ્તક્ષેપ ન કરવામાં આવે તો કચ્છ પ્રાથમિક શિક્ષણનો ચિત્ર અવશ્ય સુધરી શકે છે. એમ કચ્છ જિલ્લા પંચાયત (ર૪-મુંદરા)ના સદસ્ય સલીમ એ. જતએ અખબારી યાદીમાં જણાવ્યું છે.