(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૨૦
જામનગરની ટાડા કોર્ટમાં મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના એક આરોપી સલીમ કુત્તાને યરવડા જેલમાંથી હાજર કરાવવા માટે હાથ ધરાયેલી કાનૂની પ્રક્રિયાના અંતે આજે આ આરોપીને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જામનગરની અદાલતમાં હાજર કરવામાં આવ્યો હતો તે પહેલાં પોલીસે સમગ્ર શહેરમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. મુંબઈમાં વર્ષ ૧૯૯૩માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં વાપરવામાં આવેલું આરડીએક્સ પોરબંદરના ગોસાબારા બંદર પર લેન્ડીંગ થયા પછી ત્યાંથી વાયા જામનગર થઈ આરડીએકસનો જથ્થો ટ્રક મારફતે મુંબઈ સુધી લઈ જવામાં આવ્યો હોવાના સગડ પોલીસે શોધી કાઢ્યા હતા. ત્યાર પછી સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ટાડા એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં કુખ્યાત શખ્સો સામે આરોપનામું ઘડાયા પછી તે કેસમાં સંડોવાયેલો મહંમદ સલીમ શેખ ઉર્ફે સલીમ કુત્તા નામનો શખ્સ મહારાષ્ટ્રની યરવડા જેલમાં હોવાનું બહાર આવ્યું હતું. આ આરોપીને જામનગરની ટાડા કોર્ટમાં હાજર કરવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાનૂની પ્રક્રિયા દરમિયાન એકાદ વખત પોલીસ મહારાષ્ટ્ર પહોંચી હતી, પરંતુ આ શખ્સનો કબજો મળવા પામ્યો ન હતો. ત્યાર પછી જામનગરના જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરીએ ટાડા કોર્ટમાં આ શખ્સને હાજર રખાવવા માટે લાંબી કાનૂની પ્રક્રિયાનો પ્રારંભ કર્યા પછી સલીમ કુત્તાને યરવડાની જેલમાંથી બહાર કાઢી જામનગરની અદાલતમાં હાજર રખાવવાનો અદાલતે આદેશ છોડયો હતો તેના પગલે ગઈકાલે મહારાષ્ટ્રની યરવડા જેલમાં પહોંચેલી જામનગર પોલીસે સલીમ કુત્તાનો કબજો સંભાળ્યા પછી આજે તેને જામનગર સ્થિત ટાડા કોર્ટમાં રજૂ કરવાની તજવીજ આરંભી હતી. જામનગરના રેલવે સ્ટેશન, એસટી ડેપો, હોસ્પિટલ તેમજ ન્યાયાલય તરફ જતાં માર્ગો પર પોલીસ કાફલો બંદોબસ્તમાં ગોઠવાયા પછી આજે બપોરે સાડા અગિયારેક વાગ્યે લોખંડી સુરક્ષા વચ્ચે સલીમ કુત્તાને અદાલતમાં લાવવામાં આવ્યો હતો જ્યાં સરકાર તરફથી ડીજીપી જમનભાઈ ભંડેરીએ દલીલો કરી હતી, ગણતરીની મિનિટો માટે અદાલતમાં હાજર રખાયેલા સલીમ કુત્તાને ફરીથી ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે પોલીસે સલામત સ્થળે ખસેડયો હતો.