(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.રર
આણંદ જિલ્લાના સંદેશર નજીક પરપ્રાંતિય યુવકની લોખંડનો સળિયો મારી કરપીણ હત્યા છે. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના મિનોહા તાલુકાના મછંડ ગામના તલા મહોલ્લાનો મૂળ રહીસ દયવીરસિંહ ઉર્ફે સુનિલ ટીલ્લુભાઈ કુશવાહા (ઉ.વ.૩૪) છેલ્લા ૧૮ વર્ષથી આણંદ તાલુકાના સંદેશર ગામે પોતાના પત્ની સુનિતાબેન બે દીકરીઓએ પુજા અને નિશા તેમજ એક પુત્ર અંકિત સાથે રહેતા હતા.
દયવીરસિંહ ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાના સુમારે પોતાની પાણીપુરીની લારી લઈને ઘરેથી નિકળ્યો હતો અને ત્યારબાદ ગત રાત્રીના સુમારે દયવીરસિંહ ઉર્ફે સુનીલની પાણીપુરીની લારી સંદેશર ગામ નજીક અગાસ રોડ પર પડી હતી. જ્યારે દયવીરસિંહ ઉર્ફે સુનીલનો કોઈ પત્તો હતો નહીં. જેથી દયવીર ઉર્ફે સુનીલનો નાનોભાઈ માધવસિંહ પોતાના મિત્ર રાધેશ્યામ ચીમનભાઈ પઢિયાર સાથે સ્કૂટર લઈને પોતાના ભાઈ દયવીરસિંહને શોધવા માટે નિકળ્યો હતો. તપાસ કરતા રોડની સાઈડમાં આવેલા ખેતરમાંથી લોહીથી લથપથ હાલતમાં દયવીરસિંહ ઉર્ફે સુનીલ મળી આવ્યો હતો અને તેના માથામાં ગંભીર ઇજા થયેલી જોવા મળી હતી અને ૧૦૮ની ટીમે દયવીરસિંહ ઉર્ફે સુનીલને તપાસતા તે મૃત્યુ પામ્યો હોવાનું જણાયું હતું. જેથી આ બનાવ અંગે વલ્લભવિદ્યાનગર પોલીસને જાણ કરતા પી.આઈ. ડી.ડી.સિમ્પી ઘટનાસ્થળે દોડી ગયા હતા.પોલીસના અનુમાન અનુસાર અજાણ્યા શખ્સે દયવીરસિંહ ઉર્ફે સુનીલને માથામાં લોખંડનો સળિયો મારી દેતા લોહીના છાંટા રોડ પર પડ્યા હશે. જ્યારે દયવીરસિંહ જીવ બચાવવા ખેતર તરફ ભાગ્યો હશે. જ્યાં હત્યારાએ લોખંડના સળિયાથી બીજા ફટકા મારી કરપીણ હત્યા કરી દેતા દયવીરસિંહ ઉર્ફે સુનીલ ખેતરમાં ફસડાઈ પડી મોતને ભેટયો હશે તેમ મનાઈ રહ્યું છે.