(એજન્સી) મુંબઈ, તા.૧૧
ફિલ્મ અભિનેતા સલમાનખાનની હત્યાનું ષડયંત્ર રચનારા લોરેન્સ બિશ્નોઈ ગેંગના શાર્પ શૂટર સંપત નહેરાને ગુરૂગ્રામ એસ.ટી.એફે સોમવારે સવારે પંચકુલાની અદાલતમાં હાજર કર્યો. જ્યાંથી તેને ૭ દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલી દેવામાં આવ્યો છે. સંપત નહેરાની ૩ દિવસ પહેલાં એસટીએફે હૈદરાબાદથી ધરપકડ કરી હતી. તેની વિરૂદ્ધ હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને ઉત્તરપ્રદેશમાં લૂંટ, હત્યા અને હત્યાના પ્રયાસના ડઝનેક કેસો દાખલ છે. ઉલ્લેખનીય છે કે, સંપત નહેરાએ સલમાનને બાલ્કનીમાં મારવાની યોજના ઘડી હતી. તેનો ખુલાસો સંપત નહેરાએ એસટીએફ સામે કર્યો છે. નહેરાએ જણાવ્યું કે સલમાન અવાર-નવાર દિવસમાં કોઈ પણ સુરક્ષા વગર પોતાના પ્રશંસકોને મળવા બાલ્કનીમાં આવતો હતો. તેને સરળતાથી ત્યાં જ મારી શકાતો હતો. તેના માટે તેણે બાલ્કની અને પ્રશંસકો વચ્ચેના અંતરનો અંદાજો લગાવ્યો હતો. તેથી તે અંતરને ભેદવા માટે હથિયારનો બંદોબસ્ત કરી શકે. નહેરા રાજસ્થાનના ચુરૂનો રહેવાસી છે.