(એજન્સી) નવી દિલ્હી, તા.૨૨
કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ સરકારને કહ્યું છે કે, એ બાલાકોટ હવાઈ હુમલા બાબત વધુ હકીકતો જણાવે. એમણે કહ્યું કે, મારા આ પ્રશ્નની સામે વડાપ્રધાન મોદી દ્વારા અપાયેલ પ્રતિક્રિયાથી હું મૂંઝવણમાં છું. પિત્રોડાએ કહ્યું કે, આ મુદ્દે આપણે ચર્ચાઓ, સંવાદ, વાતચીત કરવી જોઈએ અને આ પ્રકારની ચર્ચાઓનો અર્થ એ નથી કે, અમે કોઈની સામે પ્રશ્ન કરીએ છીએ ? આ પહેલાં મોદીએ સામ પિત્રોડાના આ પ્રકારના પ્રશ્ન સામે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, જે લોકો બાલાકોટ એર સ્ટ્રાઈક બાબત પ્રશ્નો કરે છે. એમને જનતા માફ કરશે નહીં. પિત્રોડાએ વધુ વિગતો સાથે મૃત્યુઆંક પણ જાણવા ઈચ્છા વ્યક્ત કરી હતી. અમિત શાહ સમેત ભાજપના અન્ય નેતાઓએ પિત્રોડાની આ મુદ્દે આલોચના કરી હતી. પિત્રોડાએ ખુલાસો કરતા કહ્યું, મેં કહ્યું હતું કે, હું વધુ હકીકતો જાણવા માંગું છું. મને સમજાતું નથી. આમાં ક્યાં મૂંઝવણ અથવા મુશ્કેલી છે. લોકશાહીમાં પ્રત્યેક નાગરિકને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે. મારા પ્રશ્નનો આ પ્રતિસાદ નહીં હોવો જોઈએ અને એ પણ વડાપ્રધાન દ્વારા તો નહીં જ. પિત્રોડા ઉપર હુમલો કરતા મોદીએ કહ્યું, કોંગ્રેસના વફાદાર નેતાએ કબૂલ્યું છે, જે રાષ્ટ્રને પહેલેથી ખબર છે કે, કોંગ્રેસ ત્રાસવાદી હુમલાઓ સામે જવાબ આપવા ઈચ્છતી નથી, પણ આ નવું ભારત છે. અમે ત્રાસવાદીઓને એમની જ ભાષામાં જવાબ આપીશું અને એ પણ વ્યાજ સાથે. પિત્રોડાએ કહ્યું કે, જે રીતે ભાજપ અમારા ઉપર આક્ષેપો મૂકે છે. એ પ્રકારના પ્રશ્નો હું કરતો જ નથી કે, સેનાએ હુમલો નથી કર્યો, મેં ફક્ત વધુ વિગતો માંગી છે. પિત્રોડાએ કહ્યું હતું કે, મારા આ અંગત વિચારો છે. એમને કોંગ્રેસ સાથે કોઈ લેવા-દેવા નથી.