(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રેન્કોઇસ ઓલાન્દેએ એમ કહીને ભારતીય રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો કે, ૩૬ રાફેલ વિમાનોના સોદા માટે અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સનો પ્રસ્તાવ ભારત સરકારે આપ્યો હતો તેમણે એક ઇન્ટરવ્યૂમાં આ ખુલાસો કર્યો હતો. તેમની કચેરીએ ભારતીય સમાચાર એજન્સી એનડીટીવીને કહ્યું છે કે, ઓલાન્દે પોતાના આ નિવેદન પર અડગ છે. ફ્રાન્સ સરકાર અને રાફેલ બનાવનાર દસોલ્ટ એવિએશન દ્વારા અપાયેલા નિવેદનોથી તેમનું નિવેદન ભિન્ન છે તેમ છતાં તેઓ પોતાના આ નિવેદન પર અડગ છે. દરમિયાન ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, રાફેલ સોદામાંના તમામ આરોપો પાયાવિહોણા છે.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. ફ્રાન્સની સરકારે શુક્રવારે રાતે જણાવ્યું હતું કે, સોદા માટે ભારતીય ઉદ્યોગપતિ ભાગીદારની પસંદગી તેમના માટે કોઇ મહત્વ ધરાવતી ન હતી પણ તેમની ભૂમિકા તો સામાનની ડીલીવરી અને ગુણવત્તા પર જ કેન્દ્રીત હતી.
૨. દસોલ્ટ એવિએશને પણ શુક્રવારે રાતે ખુલાસો કર્યો હતો કે, રિલાયન્સ ગ્રૂપ સાથે ભાગીદારી તેમનો વિષય ન હતો.
૩. આ પહેલા શુક્રવારે ફ્રાન્સના અખબાર મીડિયાપાર્ટે ફ્રેન્કોઇસ ઓલાન્દેને ટાંકતા લખ્યું હતું કે, ‘અમે આમાં કાંઇ કહેવા માગતા નથી, ભારત સરકારે અનિલ અંબાણી જૂથ સાથે દસોલ્ટની ભાગીદારીનો પ્રસ્તાવ મુક્યો હતો. અમારી પાસે કોઇ વિકલ્પ ન હતો અમને જે ભાગીદાર મળ્યો તેની સાથે અમે કામ કરવાનું નક્કી કર્યું.
૪. આરોપોને ફગાવતા સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ ટિ્‌વટ કર્યું કે, આ આર્થિક નિર્ણયમાં ભારત સરકાર અથવા ફ્રાન્સ સરકારે કોઇ નિવેદન આપ્યું નથી અને આ બાબતની ચકાસણી કરાઇ રહી છે.
૫. રાફેલ મુદ્દે ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાન્દેના ઘટસ્ફોટથી ભારતીય રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. આ મુદ્દે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદીને સંબોધતા કહ્યું હતું કે, તેમણે દેશના આત્મા સાથે વિશ્વાસઘાત કર્યો છે.
૬. રાફેલ સોદાને ભારતીય દળો પર ૧.૩ લાખ કરોડ રૂપિયાની સર્જિકલ સ્ટ્રાઇક ગણાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમે આપણા શહીદ સૈનિકોના લોહીનું અપમાન કર્યું છે.
૭. ફ્રાન્સ સરકારને પડકારતા કોંગ્રેસે કહ્યું કે, તેમનું નિવેદન ખુલાસા કરતા વધુ બહાર લાવે છે. પ્રવક્તા મનિષ તિવારીએ ટિ્‌વટ કરીકહ્યું છે કે, ફ્રાન્સની સરકાર રાફેલ સોદા મુદ્દે સુનાવણી હાથ ધરી શકે છે.
૮. ભાજપ દ્વારા આરોપો પર તરત પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય મત્રી અનંતકુમારે કહ્યું કે, રાફેલ સોદા મુદ્દે નખશિખ સુધી જુઠ્ઠાણું ફેલાવાય છે.
૯. મોદી સરકાર વારંવાર કહે છે કે, દસોલ્ટે ભારતીય ભાગીદાર પસંદ કર્યો છે અને સરકારને આમાં કોઇ લેવા દેવા નથી.
૧૦. રાફેલ સોદામાં ભારતીય ભાગીદાર તરીકે અનિલ અંબાણીની અનુભવ વિનાની કંપની રિલાયન્સ ડિફેન્સને દસોલ્ટ સાથે ભાગીદાર બનાવાઇ હતી. રિલાયન્સ ડિફેન્સ આ માટેના સ્પેરપાટ્‌ર્સ બનાવવાના કામમાં ન હતી જોકે, તેને પાટ્‌ર્સ દસોલ્ટ પુરા પાડવાની હતી.