(એજન્સી) તા.૧૭
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગ ચલાવવાની માગણી સાથે સમગ્ર અમેરિકાની શેરીઓમાં જોરદાર દેખાવો શરૂ થઇ ગયા છે. જોકે દરમિયાન મોટી સંખ્યામાં અમેરિકીઓ માર્ગો પર ઉતરી આવતાં કાયદો વ્યવસ્થા ખોરવાઇ હતી. બે લોકોની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. ફાસીવાદને નકારવાની માગણી સાથે શનિવારના રોજ અમેરિકાના ર૦ જેટલા શહેરોમાં જોરદાર દેખાવો કરવામાં આવ્યા હતા. જેમાં એટલાન્ટા, ન્યુયોર્ક સિટી, ન્યુ જર્સી, શિકાગો, ફોનિક્સ, વોશિંગ્ટન, બોસ્ટન, પોર્ટલેન્ડ અને લોસ એન્જેલસનો સમાવેશ થાય છે. લોકોએ કહ્યું હતું કે ફાસીવાદનો અંત લાવો, ટ્રમ્પ સરકારને ફગાવો, ટ્રમ્પ પ્રશાસનનો અંત આવવો જ જોઇએ. સંગઠનોએ તેમના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે ટ્રમ્પ સરકાર દરરોજ આશ્રિતો અને મુસ્લિમો પર ફાસીવાદી હુમલા કરે છે, ટ્રમ્પ સરકાર સ્વાસ્થ્ય તથા ગરીબો, શ્વેત અથવા ઘઉંવર્ણા લોકો, મહિલાઓ, એલજીબીટી ફોક, મીડિયા, પર્યાવરણ, દેખાવો કરવાના અધિકારો, સત્ય દરેક પાસાનો વિરોધ કરે છે. આ લોકોને હેરાન કરે છે. તેમની સામે પગલાં ભરે છે. ન્યુયોર્ક શહેરમાં કાર્યકર્તાઓે ટ્રમ્પ ટાવરની બહારથી કૂચનું આયોજન કર્યું હતું. આ કૂચ ટાઇમ્સ સ્કવેરથી ૯ એવન્યુ તરફ આગળ વધી હતી. દરમિયાન કાર્યકર્તાઓએનો ટ્રમ્પનો કેકેકે, નો ફાસિસ્ટ યુએસ એ જેવા જોરદાર ટ્રમ્પ વિરોધી સુત્રો પોકાર્યા હતા.
જ્યારે એટલાન્ટામાં ઐતિહાસિક સ્થળ જુનિયર માર્ટિન લ્યુથર કિંગથી દેખાવો કરવાની શરૂઆત કરી હતી જે એટલાન્ટના બેલ્ટીન ખાતે સમાપ્ત થયા હતા. લોસ એન્જેલસ ખાતે હોલિવૂડમાં પણ દેખાવો કરનારા બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. અહીં રેલીમાં ટ્રમ્પ સમર્થકો અને વિરોધીઓ પણ સામેલ થયા હતા. હાઇલેન્ડ શોપિંગ કોમ્પ્લેક્ષ અને હોલિવૂડની બહાર બે જૂથો જોરદાર વિરોધ કરી રહ્યા હતા દરમિયાન બે લોકોની ધરપકડ થઈ હતી.લોસ એન્જેલસ પોલીસના એસજીટી નેઇલ વાંકે જણાવ્યું કે એક ટ્રમ્પ સમર્થકે ટ્રમ્પ વિરોધીને મુક્કો મારી દેતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પીડિતની ઓળખ ગ્રેવોલ્ફ(૭ર તરીકે) થઇ હતી. તેણે કહ્યું કે હું તેને સજા અપાવીને જ રહીશ. હું તેના પણ ગંભીર આરોપો મૂકીશ. જોકે હોલિવૂડમાં ટ્રમ્પ ટેકેદારો અને વિરોધીઓ વચ્ચે આ બીજી વખત ભીષણ અથડામણ સર્જાઇ હતી. માર્ચ મહિનામાં પણ બંને જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. તેમણે દેખાવો પણ કર્યા હતા.