(એજન્સી) પટના, તા. ૩
રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવે કેન્દ્રની મોદી સરકાર પર ફરી એકવાર પ્રહારો કરતા જણાવ્યંુ હતું કે, વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશમાં અઘોષિત ઇમરજન્સી લગાવી દીધી છે. તેમણે જણાવ્યું કે, મોદીજી કાળા નાણાંના નામે મોદીજી અમારા અને અમારા જેવા નેતા તથા કાર્યકરોના ઘરે દરોડા પડાવે છે પરંતુ અદાણી જેવા મોટા લોકોના ઘરે કેમ દરોડા પડાવતા નથી. લાલુ યાદવ ચારા કૌભાંડ સાથે સંકળાયેલા એક કેસની સુનાવણી માટે રાંચી પહોંચ્યા હતા. અહીં તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, દેશની સ્થિતિ ભયાનક છે, મોદી સરકારે અઘોષિત રીતે ૭૫ ટકા ઇમરજન્સી લગાવી દીધી છે. લાલુ યાદવે નીતિશ કુમારને ફરી એકવાર રાજનીતિના પલ્ટુરામ ગણાવી જણાવ્યું હતું કે, તેઓ મોદીના ખોળામાં જઇને બેસી ગયા. મેં નીતિશ અંગે પહેલાથી જ કહ્યું હતું કે, તેઓ ‘નમો શરણમ ગચ્છામિ’ છે. ઉલ્લેખનીય છે કે, બિહારમાં મહાગઠબંધન સરકાર તૂટવા અને ભાજપ સાથે મળીને નીતિશ કુમારે સરકાર રચી ત્યારબાદથી લાલુ યાદવ આક્રમક મૂડમાં આવી ગયા છે. તેઓ સતત મીડિયા દ્વારા નીતિશ કુમાર અને મોદી સરકાર પર રાજકીય પ્રહારો કરી રહ્યા છે. એક દિવસ પહેલા જ મુલાયમસિંહે પણ કબૂલાત કરી હતી કે, મુખ્યમંત્રી બનાવવા માટે નીતિશ કુમાર તેમની સમક્ષ રડ્યા હતા. મુલાયમે જણાવ્યું કે, વર્ષ ૨૦૧૫માં લાલુ યાદવ કોઇ પણ પરિસ્થિતિમાં નીતિશને મુખ્યમંત્રી પદની દાવેદાર તરીકે ઇચ્છતા નહોતા પરંતુ તેમના કહેવા પર જ આખરે તેઓ માન્યા હતા. લાલુ યાદવે પણ આ જ પ્રકારનો દાવો સરકાર તૂટી ત્યારે કર્યો હતો.