અંકલેશ્વર, તા.૧૦
દેશના વિવિધ શહેરો બાદ અંકલેશ્વરના મીરાં નગરમાં ઘરમાં સુતેલી મહિલાના રહસ્યમય રીતે વાળ કપાઈ ગયા હતા. ભરૂચ જિલ્લામાં પણ ચોટી કાંડની દસ્તક થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સમગ્ર દેશમાં ચોટી કાંડે હાહાકાર મચાવ્યો છે. અંકલેશ્વરના મીરાં નગરમાં આજે બપોરે ઘરમાં નિંદ્રા માણી રહેલ મહિલાના રહસ્યમય સંજોગોમાં વાળ કપાઈ ગયા હતા. આ અંગે ચર્ચા ચાલી રહી છે કે ૨૫ વર્ષીય પૂનમ હીરાલાલ સીક્વાર નામની મહિલા મીરાં નગર સ્થિત તેના રૂમમાં સૂઈ રહી હતી એ દરમ્યાન તેના વાળ કપાઈ ગયા હતા અને આઘાતમાં તે બે શુદ્ધ થઇ ગઈ હતી. ઘટનાની જાણ વાયુવેગે આસપાસના લોકોને થતા તેઓ ભેગા થઇ ગયા હતા. આ બાદ બે શુદ્ધ થયેલ મહિલાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઇ જવાઈ હતી. ચોટી કપાઈ જવાના ડરથી મીરાં નગરની મહિલાઓ લીમડાના વૃક્ષની ડાળી સાથે રાખીને ફરે છે. મહિલાના વાળ કેવી રીતે કપાયા એ હવે તપાસનો વિષય બન્યો છે.