(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧
આંકલાવ તાલુકાનાં ખડોલ (હ) ગામેથી અંબાજી દર્શન કરવા ગયેલા પ્રવાસીઓની લકઝરી બસને અંબાજી દર્શન કરી પરત ફરતા અંબાજીનાં ત્રીસુલીયા ધાટ પાસે સોમવારે અકસ્માતન નડતા આ ગોજારા અકસ્માતમાં ૨૧ લોકોનાં મોત નિપજયા હતા જેને લઈને ખડોલ,સુદણ દાવોલ સહીતનાં ગામોનાં લોકોમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી,આજે સવારે ખડોલ ગામે અકસ્માતમાં મોતને ભેટનાર ૬ મૃતકોનાં મૃતદેેહને ગામમાં લાવવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર ગામ ભાગોળે એકત્ર થયું હતું અને ત્યારબાદ ગામની ભાગોળનાં ચોતરા પર છ મૃતકોનાં મૃતદેહને અંતિમ દર્શન કરવા મુકવામાં આવતા સમગ્ર ખડોલ ગામનાં ગ્રામજનોએ રડતે હૈયે મૃતદેહોની પ્રદક્ષિણા કરીને અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલી અર્પી હતી.
આંકલાવનાં ઘારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા,જિલ્લા પંચાયતનાં પ્રમુખ નટવરસિંહ મહિડા,સાંસદ મિતેશ પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ મહેશ પટેલ,પૂર્વ સાંસદ દિલીપ પટેલ સહિત અગ્રણીઓ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલી અર્પી મૃતકોનાં પરિવારને સાંત્વના પાઠવવામાં આવી હતી.
મૃતકોના પરિવારને સાંત્વના પાઠવ્યા બાદ ધારાસભ્ય અમિત ચાવડાએ સમગ્ર ધટનાને દુઃખદ ગણાવી હતી. રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારજનોને દસ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવા તેમજ ઘાયલોને રાજય સરકાર દ્વારા સારામાં સારી સારવાર મળે તે માટે યોગ્ય કરવા અપીલ કરી હતી. અમિત ચાવડા તેમજ રાજકીય અગ્રણીઓ દ્વારા અકસ્માતમાં ધાયલ થયેલા યુવકની પણ મુલાકાત લઈ તેને સારી સારવાર મળે તે માટે કલેકટરને સૂચના આપી હતી. કલેકટર દિલીપ રાણા તેમજ પોલીસ અધિક્ષક મકરંદ ચૌૈહાણએ પણ મૃતકોને શ્રદ્ધાંજલી અર્પી તેમનાં પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
બોરસદ તાલુકાના પામોલ ગામના પરા વિસ્તાર કોઠીયાપુરામાં પ્રાથમિક શાળા પાછળ રહેતા રમેશભાઈ શનાભાઈ ઠાકોર (ઉ.વ.૪૦)ને એક પુત્ર અને એક પુત્રી છે. તેઓએ પોતાના ૧૨ વર્ષના પુત્ર કાર્તિકને પણ સાથે લઇ લીધો હતો દર્શન કરી પરત ઘરે ફરતા સમયે સર્જાયેલા અકસ્માતમાં પિતા પુત્રનું મોત નીપજ્યું હતું.
બોરસદ તાલુકાના કસુંબાડના સુરેશભાઈ કનુભાઈ ચૌહાણ (ઉ.વ.૩૭)ના મૃતદેહ ઘરે લાવવામાં આવતા તેઓના માતા-પિતા અને પત્ની ભાગી પડ્યા હતા.
દાવોલ ગામના આથમણી વડી વિસ્તારમાં રહેતા સોમાભાઈ ગોહેલના મોટો પુત્ર કિશનકુમાર (ઉ.વ.૧૯) છેલ્લા ૪ વર્ષથી નવરાત્રીમાં અંબાજી ખાતે દર્શન કરવા જતો હતો. હાલ તે શાકભાજીનો ધંધો કરી પરિવારને મદદરૂપ બનતો હતો હજુ ત્રણ માસ અગાઉ જ તેના લગ્ન કરવામાં આવ્યા હતા. કિશનનો મૃતદેહ ઘરે લાવવામાં આવતા તેના માતા પિતા અને હજુ ત્રણ જ માસ જેને લગ્નસુખ મેળવ્યું છે તેવી પત્ની, બે બહેનો અને નાના ભાઈઓએ ભારે પોક મૂકી હતી.
દાવોલના ઉગમણી વડીપુરા વિસ્તારમાં રહેતા સુરેશભાઈ ગોહેલની પુત્રી જાહન્વીબેન (ઉ.વ.૮) જે ગામની પ્રાથમિક શાળામાં ધો.૩ માં અભ્યાસ કરતી હતી તેનું મોત નીપજ્યું હતું . જ્યારે પરિવારના અન્ય સભ્યોને ઈજાઓ પહોંચતા તેઓને અમદાવાદ અને પાલનપુરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
કોઠીયાપુરા, દાવોલ, કસુંબાડ અને ખડોલ ગામ શોકાતુર : નવરાત્રિનું આયોજન બંધ રાખવામાં આવ્યું
અંબાજી દર્શન કરવા ગયેલી લકઝરી બસનું અકસ્માત થતા તેમાં કોઠીયાપુરા, દાવોલ, ખડોલ, કસુંબાડ સહિત ગામોના શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા હતા જેને લઇ આ ગામોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે મૃતદેહો લાવવામાં આવ્યા ત્યારે ગામમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો અને વાતાવરણ ગમગીન બની ગયું હતું. સોમવારે કમનસીબ ઘટના બનતા અને તેમાં આ ગામોના શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવતા કોઠીયાપુરા અને દાવોલમાં નવરાત્રીનું આયોજન રદ કરવામાં આવ્યું છે.
આંકલાવમાં રહેતા ધવલકુમાર રમેશભાઇ પટેલ જેઓની ઉંમર થી ૩૦ વર્ષ છે જેવો આંકલાવ શહેરમાં આવેલી ઊંડી ખડકીમાં રહેતા હતા તેમના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતા તેઓ પણ આ બસમાં સવાર હતા અને તેમાં પણ તેઓનું મૃત્યુ થયું છે જેને લઈને તેમના માતા પિતાએ એકના એક જ દીકરો ગુમાવ્યો પરંતુ દીકરાની વહુ પણ વિધવા થઈ
અંબાલી ગામમાં રહેતા અને આ બનાવમાં ભોગ બનેલ કિશન કુમાર મંગળભાઈ પઢિયાર નામના યુવકની ઉંમર માત્ર ૨૬ વર્ષ હતી તેમના પરિવારમાં માત્ર એક જ એવા વ્યક્તિ જેવો ના ખભા ઉપર આખા ઘરની જવાબદારી હતી પણ કુદરતનો કેર એવો આ પરિવાર પર વરસ્યો કે પરિવાર તો નિઃસહાય થઈ ગયો પરંતુ સાથે સાથે આ યુવકને ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા તેનું એક સંતાન છે અને તેની પત્ની પ્રેગ્નન્ટ છે તેના પરિવારે જે ગુમાવ્યું છે તે પરિવારના લોકો જાણી શકે છે
આંકલાવ તાલુકાના મૂળ કાંડ વાડીના રહેવાસી અને ખડોલ ના જમાઇ જેવો દર વખતે અંબાજી યાત્રા કરવા માટેનું આયોજન કરનાર મુખ્ય આયોજક હતા. બસના મુખ્ય આયોજક રાવજીભાઇ હિંમતભાઇ પઢિયાર નું પણ મોત નિપજ્યું છ.
ખડોલ ગામમાં રહેતા અને અનાજ કરિયાણાની દુકાન ચલાવતા નયનાબેન કનુભાઇ સોલંકી દર્શન કરવા જતા હતા તેઓ તેમની સાથે પહેલી જ વખત તેમના જેઠના નાના દીકરાને જે ચાર વર્ષનો છે તેને લઈ ગયા હતા આ અકસ્માતમાં કાકી અને નાના ભત્રીજાનું પણ મોત નિપજ્યું હતું ધુવલ માત્ર ચાર વર્ષનો હોવાથી તેઓને અગ્નિ સંસ્કાર કરવામાં નથી આવ્યા પણ દફન વિધિ તેની કરવામાં આવી છે
સુંદર ગામમાં રહેતા જશોદાબેન રામાભાઇ ગોહિલ જેઓની ઉંમર ૬૦ વર્ષના છે તેઓ પણ આ પ્રવાસમાં ગયા હતા તેમની સાથે તેમના દીકરાનો દીકરો અને તેમની દીકરીનો દીકરો એમ થઈને આ પરિવારમાંથી ત્રણ જનો આ યાત્રામાં ગયા હતા જ્યાં તેઓને અકસ્માત નડતા આ ત્રણેય લોકોના મોત થતાં સુદણ ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.