(એજન્સી) તા.ર
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાતના માંગરોળમાં પારંપારિક મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલ વિવિધ આર્થિક પ્રોજેક્ટોનું શિલાન્યાસ કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું, ગાંધીજીનું ખાસ ઉદ્દેશ્ય એ જ હતું કે, સમાજમાં સંપૂર્ણપણે વિકાસ થવો જોઈએ અને મજૂરોને સ્વમાન મળે એ ઈચ્છતા હતા. સૌરાષ્ટ્રના લોકો પોતાની મહેનતુ કાર્યશૈલીથી ઓળખાય છે. એ પછી કૃષિ ક્ષેત્રમાં હોય, વેપાર અથવા વ્યવસાયમાં હોય. એમણે બધા ક્ષેત્રોમાં પોતાના કઠિન પરિશ્રમથી અને બુદ્ધિ કૌશલ્યથી સફળતા મેળવી છે. એમણે કુદરતી આફતો વખતે પણ પોતાનું ખમીર બતાવ્યું છે અને હિંમતભેર એમનો સામનો કર્યો છે. રાષ્ટ્રપતિ કોવિંદે ઘણા બધા પ્રોજેક્ટોનું ઉદ્દઘાટન કર્યું હતું. જેમાં જાફરાબાદમાં જેટી અને અન્ય સુવિધાઓના પ્રોજેક્ટો, વેરાવળ અને પોરબંદરના બંદરો, નવી બંદર, મિયાની અને સલાયા ફિશ લેન્ડીંગ સેન્ટર અને ૪પ ગામડાઓને સગવડો પૂરી પાડતી પાણી પુરવઠાની યોજના મુખ્ય હતી. એમણે આશા વ્યક્ત કરી કે આ પ્રોજેક્ટો આર્થિક વિકાસને વેગ આપશે અને લોકોનો જીવન ધોરણ ઊચું લાવશે. એમણે કહ્યું કે ગુજરાતનો ફાળો, કૃષિ, ઉદ્યોગો, શિક્ષણ, કળા, સાહિત્ય અને જાહેર જીવનમાં ઘણો જ મહત્ત્વપૂર્ણ રહ્યો છે. ખરી રીતે ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં આવેલ બંદરોથી થતી આયાત-નિકાસનો ફાળો ૪૮ ટકા છે. આજે જે પ્રોજેક્ટોનું ઉદ્દઘાટન કર્યું છે એ ગુજરાતના લોકો માટે મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકો માટે. ગુજરાતનો વારસો સાચવવા માટે એમણે વિજય રૂપાણીને અભિનંદન આપ્યા.