અમદાવાદ, તા.૧૮
‘ગુજરાતમાં સાંજે ૭ પછી આવું થઈ શકે છે’ ના મથાળાવાળી જાહેરાત સોશિયલ મીડિયામાં વાયરલ કરી મતોનું ધ્રુવીકરણ કરવા કોઈપણ સમાજને ખોટી રીતે ચીતરનારી જાહેરાત ઉપર પ્રતિબંધ ચૂંટણી પંચમાં ફરિયાદને પગલે ડીજીપી કચેરી દ્વારા આ જાહેરાત મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ સેલને તપાસ સોંપાઈ છે. ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થતાં જ વિવિધ પક્ષો દ્વારા સોશિયલ મીડિયામાં જુદા-જુદા વીડિયો બનાવીને કોને મત આપવો કે ન આપવો જેવી જાહેરાત કરવામાં આવી રહી છે. જેમાં ધર્મ આધારિત ભાગલા પાડી મતોના ધ્રુવીકરણની વાત કરતા ગુજરાતમાં સાંજે ૭ પછી આવું થઈ શકે છે તેવા શીર્ષક હેઠળ વાયરલ થયેલા વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં અઝાનનો અવાજ રજૂ કરી એક ગભરાયેલી અને ખૂબ જ ઝડપથી ચાલતી યુવતીને બતાવી મુસ્લિમ સમાજ દ્વારા ભય છે. તેવું ચિત્ર ઉભું કરવામાં આવ્યું છે. ત્યારે હ્યુમન રાઈટસ લો નેટવર્કના એડવોકેટ ગોવિંદ પરમારે ચૂંટણીપંચ અને અમદાવાદ સાયબર ક્રાઈમ સેલને લેખિતમાં રજૂઆત કરી હતી કે ધર્મ આધારિત ભાગલા પાડવાના હેતુસર રજૂ કરવામાં આવતી આવી જાહેરાતો બનાવનારા જવાબદારો સામે કાયદાકીય પગલાં ભરવા જણાવ્યું હતું. જેના અનુસંધાને શનિવારે ગુજરાત રાજ્યની ડીજીપી કચેરી દ્વારા આ સમગ્ર મામલે વિસ્તૃત તપાસ કરવા અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ સેલને આદેશ કર્યો છે. આ તપાસમાં આવેલી વિગતોના આધારે જરૂરી કાર્યવાહી કરવાની બાંહેધરી ડીજીપી કચેરી દ્વારા કરવામાં આવી છે.
ચૂંટણીમાં મતોના ધ્રુવીકરણ માટે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી વીડિયોથી ચૂંટણીનો માહોલ કલૂષિત થઈ રહ્યો છે અને મુસ્લિમોનો ધાર્મિક ધ્રુવીકરણના થઈ રહેલા પ્રયત્નની વિરૂદ્ધમાં ઈન્સાફ ફાઉન્ડેશનના કલીમ સિદ્દીકી અને હમારી આવાજના કૌશરઅલી સૈયદે ચૂંટણીપંચ લઘુમતી આયોગ અને માનવ અધિકાર આયોગમાં લેખિતમાં રજૂઆત કરી છે.