(એજન્સી) નવી દિલ્હી, તા.૨
દેશમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ન્યૂયોર્ક ટાઇમ્સમાં એક લેખ લખ્યો છે. જેમાં પીએમ મોદીએ લખ્યું છે કે, ગાંધીજી એક એવા વ્યક્તિ હતા જેમના પર સમાજના દરેક વર્ગને ભરોસો હતો. પીએમ મોદીએ લખ્યું છે કે, બાપુનો જન્મ ભલે ભારતમાં થયો હોય પરંતુ તેમના વિચારોની અસર આખી દુનિયામાં જોવા મળે છે.
પીએમ મોદીએ લખ્યું કે, મહાત્મા ગાંધી પર સમાજના દરેક વર્ગને વિશ્વાસ હતો. વાત ૧૯૧૭ની છે, જ્યારે ગુજરાતના અમદાવાદમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં એક મોટી હડતાળ પડી હતી. મિલ માલિકો અને કામદારો વચ્ચે ઝઘડાને કારણે વાત વણસી હતી, ત્યારે ગાંધીજીએ મધ્યસ્થતા કરીને આ મામલાને શાંત પાડ્યો હતો.
પીએમ મોદીના જણાવ્યા પ્રમાણે, ગાંધીજી મજૂરોના ભલા માટે પણ લડતા રહ્યા હતા. પીએમ મોદીએ લખ્યું, મજૂરોને અધિકારો અપાવવા માટે તેમણે મજૂર મહાજન સંઘની સ્થાપના કરી હતી. તમને જોઈને લાગશે કે આ કોઈ સામાન્ય સંગઠન હશે, પરંતુ ગાંધીજીને કારણે આ સંગઠનની ખૂબ અસર જોવા મળી હતી. એ દિવસોમાં મોટા લોકોનું સન્માન કરવા માટે લોકો તેમને મહાજન કહેતા હતા. ગાંધીજી ઇચ્છતા હતા કે લોકો મજૂરોનું સન્માન કરે. આ માટે જ તેમણે મજૂરોના નામ સાથે મહાજન જોડી દીધું હતું. પીએમ મોદીના જણાવ્યા પ્રમાણે ગાંધીજી પાસે દરેક સમસ્યાનું સમાધાન હતું. આપણને રસ્તો બતાવવા માટે ગાંધીજી સારા શિક્ષક છે. સ્થાયી વિકાસને આગળ ધપાવવા, આર્થિક આત્મનિર્ભરતા નિશ્ચિત કરવા માટે, માનવતામાં વિશ્વાસ રાખતા લોકોને એક કરવા માટે, ગાંધી દરેક સમસ્યાનું સમાધાન આપે છે.
પીએમ મોદીએ આગળ લખ્યું છે કે, ગાંધી નાની વસ્તુઓને પણ રાજનીતિ સાથે જોડી દેતા હતા. એક રાષ્ટ્ર માટે આર્થિક આત્મનિર્ભરતા અને સશક્તિકરણના પ્રતિક રૂપે ચરખો અને ખાદીના કપડાનો ઉપયોગ કયો માણસ કરી શકતો હતો ?