(એજન્સી) નવી દિલ્હી, તા.રર
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મસના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, ર૦૧૬-૧૭ના વર્ષમાં રૂા.૮ર.૭૬ કરોડની આવક સાથે સમાજવાદી પાર્ટી દેશના તમામ પ્રાદેશિક પક્ષોમાં સૌથી ધનિક પાર્ટી જાહેર કરવામાં આવી હતી. દેશના ૩ર પ્રાદેશિક પક્ષોની કુલ આવક રૂા.૩ર૧.૦૩ કરોડ જેટલી હોવાનું જણાવ્યું હતું.
આ યાદીમાં રૂા.૭ર.૯ર કરોડની આવક સાથે તેલુગુદેશમ પાર્ટી બીજા અને રૂા.૪૮.૮૮ કરોડની આવક સાથે ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝગમ ત્રીજા સ્થાને રહી હતી. અહેવાલ તૈયાર કરનાર સંસ્થા દિલ્હી સ્થિત સંગઠન છે અને તે ચૂંટણી તથા રાજકારણમાં સુધારા માટે કામ કરે છે. દેશની ટોચની ત્રણ પ્રાદેશિક પાર્ટીઓની કુલ આવક રૂા.ર૦૪.પ૬ નોંધવામાં આવી હતી. જે ૩ર પ્રાદેશિક પક્ષોની કુલ આવકના ૬૩.૭ર ટકા છે.
૪૮ પ્રાદેશિક પક્ષોમાં ૩ર પ્રાંતિય પાર્ટીઓની આવક અને ખર્ચાને ધ્યાનમાં રાખી આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. ર૦૧૬ અને ર૦૧૭માં આ પક્ષોએ ચૂંટણીપંચને સુપરત કરેલા આંકડાને ધ્યાનમાં રાખી આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટી, જમ્મુ એન્ડ કાશ્મીર નેશનલ કોન્ફરન્સ અને રાષ્ટ્રીય જનતાદળ સહિત કુલ ૧૬ પાર્ટીઓના ઓડિટ રિપોર્ટ ચૂંટણીપંચને સુપરત કરાયા ન હતા. અહેવાલ મુજબ, ઓલ ઈન્ડિયા મજલીસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન અને જનતા દળ(એસ)ની ૮૭ ટકા આવક ખર્ચ કરાયા વિના પડી રહી હતી.