(એજન્સી) તા.રર
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશન પહેલા જ યાદવ પરિવારનો કલેહ ફરી વકર્યો છે. મુલાયમસિંહે ગુરુવારે તેમના ભાઇ રામગોપાલ યાદવને લોહિયા ટ્રસ્ટના સચિવપદેથી હાંકી કાઢ્યા છે. તેમની જગ્યાએ મુલાયમસિંહ યાદવે શિવપાલ યાદવને સચિવ બનાવી દીધા છે. આ કારણે યાદવ પરિવારમાં ચાલી રહેલી સમાધાનની પ્રક્રિયાને મોટો આંચકો લાગ્યો છે. યાદવ પરિવારની જૂથબાજીમાં મુલાયમ અને તેમના નાના ભાઇ શિવપાલ એકબાજુ અને અખિલેશ અને મુલાયમના પિતરાઇ ભાઇ રામગોપાલ યાદવ એકબાજુ મનાય છે. લોહિયા ટ્રસ્ટ મુલાયમસિંહ યાદવ દ્વારા રચાયેલ સપાના લોકોનું જૂનું ટ્રસ્ટ છે જેમાં મુલાયમ અધ્યક્ષ, રામગોપાલ યાદવ ઉપાધ્યક્ષ અને શિવપાલ યાદવ અને અખિલેશ યાદવ સભ્ય હતા. ગત ૮ ઓગસ્ટથી ટ્રસ્ટની બેઠકમાં મુલાયમસિંહે અખિલેશ યાદવના નજીકના ચાર લોકોની બરતરફી કરી છે અને તેમના બદલે શિવપાલના નજીકના ચાર લોકોને ટ્રસ્ટના સભ્ય બનાવી દેવાયા છે. આજે તેમણે રામગોપાલ યાદવને પણ બહારનો રસ્તો બતાવી દીધો છે. તમને જણાવી દઇએ કે સપાનું રાષ્ટ્રીય અધિવેશન પ ઓક્ટોબરના રોજ આગ્રામાં થશે જેમાં ૩ વર્ષ માટે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરાશે. ચાલુ વર્ષે એક જાન્યુઆરીએ લખનૌમાં પાર્ટીની રાષ્ટ્રીય અધિવેશનમાં મુલાયમસિંહને અધ્યક્ષ પદેથી હટાવી અખિલેશ યાદવને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી દેવાયા હતા. યુપી વિધાનસભાની ચૂંટણી વખતે અખિલેશે વારંવાર મીડિયામાં કહ્યું હતું કે ચૂંટણી બાદ તે મુલાયમસિંહને ફરી અધ્યક્ષ બનાવી દેશે. આ દરમિયાન શિવપાલ યાદવ પણ પાર્ટીના હાંશિયામાં ધકેલાઇ ગયા હતા.
ગત કેટલાક મહિનાથી અનેક લોકો મુલાયમસિંહ, અખિલેશ અને શિવપાલ વચ્ચે સમાધાન કરાવવાના પ્રયાસો કરી રહ્યાં છે. તમામની નજરો પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશન પર છે જે નક્કી કરશે કે બાપ અને દીકરો કયો વિકલ્પ પસંદ કરશે.