(એજન્સી) નવી દિલ્હી, તા.પ
એક તરફ સંસદના ઉચ્ચ સદન રાજ્યસભામાં મોદી સરકારનું ત્રણ તલાક વિશેનો ખરડો અટવાયો છે ત્યારે બીજી તરફ કાયદાપંચે વિવિધ ધર્મોના વિદ્વાનો, રાજકીય જૂનો અને અન્ય લોકો સાથે સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ) અને ચર્ચા કરવા તૈયાર છે. કાયદાપંચ એ વાતને ધ્યાનમાં લેશે કે આ સમાન નાગરિક સંહિતા માટેનો યોગ્ય સમય છે કે નહિ. કાયદાપંચના ચેરમેન (અધ્યક્ષ) નિવૃત્ત ન્યાયાધીશ બી.એસ. ચૌહાણે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે અમે સમાન નાગરિક સંહિતાના મુદ્દે વિચારણા કરી રહ્યા છીએ. વિગતવાર પરામર્શ પછી કાયદાપંચ આ નિષ્કર્મ પર આવે છે કે આ સમય આ કાર્ય કરવા માટે યોગ્ય નથી. અથવા તો રાષ્ટ્ર હિતમાં નથી. અત્યારે તો અમે બધા ધર્મોના વ્યક્તિગત (અંગત) કાયદાની સમીક્ષા કરવાની ભલામણ કરીશું. કાયદા મંત્રાલયના સૂચનને ધ્યાનમાં રાખીને કાયદાપંચે સમાન નાગરિક સંહિતા વિશે પ્રશ્નોની યાદી બનાવી હતી. ૭ ઓક્ટોબર ર૦૧૬ના રોજ આ પ્રશ્નાવલી દ્વારા કૌટુંબિક કાયદાઓ ઉપર તમામ લોકો પાસેથી અભિપ્રાયો માંગવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ જ દિવસે ત્રણ તલાક અથવા તો તલ્લાક-એ-બિદ્દતને ગેરકાયદે જાહેર કરવાની શાયરાબાનુની અરજી ઉપર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. બીજી બાજુ મુસ્લિમ પર્સનલ લો બોર્ડે આ મુદ્દે કેન્દ્ર સરકારનો જોરદાર વિરોધ કર્યો છે. શરિયત કાનૂન સાથે કોઈપણ પ્રકારની છેડછાડ સામે બોર્ડે સહી અભિયાન શરૂ કર્યુ અને તેને કાયદાપંચ સમક્ષ મોકલ્યું હતું.
કાયદાપંચે બનાવેલી પ્રશ્નાવલીના જવાબરૂપે અત્યારસુધીમાં ૬૦ હજાર જેટલા અભિપ્રાયો આવ્યા હતા. મોટાભાગના અભિપ્રાયો ફક્ત ત્રણ તલાકને નાબૂદ કરવાના પક્ષમાં હતા. જો કે કાયદાપંચે અત્યારે આ બાબતને ટાળી દીધી છે. પંચ અપેક્ષા રાખે છે કે ત્રણ તલાક વિશે સમીક્ષા કરી રહેલી સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ જ સમાન નાગરિક સંહિતા બાબતે કેટલીક સૂચનાઓ આપી શકે છે.
નિવૃત્ત ન્યાયમૂર્તિ ચૌહાણે જણાવ્યું હતું કે અમે અપેક્ષા રાખીએ છીએ કે સુપ્રીમ કોર્ટે સમાન નાગરિક સંહિતા પર ચર્ચા કરશે, જેવી રીતે અગાઉ ઘણા કિસ્સામાં આવું થયું છે. પરંતુ સમાન નાગરિક સંહિતા ઉપર ક્યારેય આવું થયું નથી. ત્રણ તલાક ઉપર અભિપ્રાયો આપ્યા પછી આ વિશે ચર્ચા કરવામાં ઘણા મહિનાઓ વીતાવ્યા. હવે અમે અમારું કાર્ય શરૂ કરીશું.
કાયદાપંચના સૂત્રો અનુસાર ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ભારતના ઘણા કાયદાઓ સંવિધાનની સુચિ ૬ અને કલમ ૩૭૧ હેઠળ લાગુ પડતા નથી. આ કારણથી ઘણી બધી પરંપરાગત જાતિય માન્યતાઓ અસ્તિત્વમાં છે. આને લીધે જ આજ સુધી નાગાલેન્ડમાં ફક્ત એક મહિલા પ્રતિનિધિ છે. આ બધા ફેરફારો કરવા માટે બંધારણમાં સંશોધન કરવું પડશે.
આ ઉપરાંત કાયદાપંચ જાતિય ભેદભાવયુક્ત કુરિવાજોની પણ સમીક્ષા કરશે. જેવી કે હિમાચલ પ્રદેશના કેટલાક હિસ્સામાં બહુપત્નીત્વ પ્રથા, રાજસ્થાનમાં નટ પ્રથા (એક વ્યક્તિ લગ્ન કર્યા વગર માત્ર પૈસા આપી સ્ત્રી સાથે રહી શકે) અને ગુજરાતમાં પ્રચલિત મિત્રતા કરાર (આ પ્રથા અનુસાર લગ્ન કરેલી વ્યક્તિ પોતાની પત્ની સિવાય બીજી સ્ત્રી સાથે રહી શકે છે આમ, આવી ઘણી પ્રથાઓને કાયદાપંચે મહિલાઓના આત્મગૌરવની વિરૂદ્ધ જાહેર કરી છે. કાયદાપંચ આ બધી પ્રથાઓને કાયદાના ક્ષેત્રમાં લાવી અપરાધ ગણશે. સમાન નાગરિક સંહિતા ભાજપના ચૂંટણી જાહેરનામાનો ભાગ છે. ૧૭ જૂન ર૦૧૬ના રોજ કાયદા મંત્રાલયે આદેશ આપીને કાયદાપંચને સમાન નાગરિક સંહિતા વિશે સમીક્ષા કરવા કહ્યું હતું. એવું માનવામાં આવે છે કે કાયદાપંચ ૩૦ ઓગસ્ટ ર૦૧૮ સુધીમાં પોતાનો અહેવાલ મંત્રાલયને સોંપશે.