(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૩
મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં સહયોગી ભાજપ અને શિવસેના વચ્ચેનો વિવાદ દિવસે દિવસે વણસી રહ્યો છે. શિવસેનાના મુખપત્ર સામનામાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો સંવાદ છપાયો છે. ઉદ્ધવએ ભાજપ અને મોદી પર નિશાન સાંધતા કહ્યું છે કે, હું મોદીના સ્વપ્નો માટે નહીં સામાન્ય પ્રજાના સ્વપ્નો માટે લડી રહ્યો છું.
અન્ય એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, તેઓ એકના મિત્ર નથી પરંતુ ભારતીય જનતાના મિત્ર છીએ. ઉદ્ધવએ અવિશ્વાસ પ્રસ્તાવ અંગે શિવસેનાના બહિષ્કાર અંગે પોતાનો મત રજૂ કરતા કહ્યું કે, જ્યારે અમે સરકારની ખોટી નીતિઓનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે અમારી સાથે કોણ આવ્યું હતું. આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ મહારાષ્ટ્રમાં સ્વતંત્રપણે ચૂંટણી લડી શકે છે. નોંધનીય છે કે, અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે શિવસેનાએ મોદી સરકારનો સાથ ન આપ્યો હતો. ત્યારબાદથી ભાજપમાં આ અંગે નારાજગી છે. બીજી તરફ શિવસેના પહેલાથી જ જાહેરાત કરી ચૂકી છે તે લોકસભા ચૂંટણીઓ ગઠબંધન વિના લડશે.