અમરેલી, તા. ૭
અમરેલી નાગરપાલિકના પ્રમુખ અને ઉપ પ્રમુખ ચૂંટાયા બાદ પ્રથમ વખતજ સામાન્ય સભા આજરોજ રોજ મળતા સભા પુરી થયા બાદ પ્રમુખ તેમજ ચીફ ઓફિસર સામે વિરોધ પક્ષના સદસ્યોએ છુટા ખુરસીના ઘા કરતા હોબાળો મચી જવા પામ્યો હતો.
અમરેલી નગરપાલિકાની ત્રણેક માસ પેહલા પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસના સદસ્યોએ મેન્ડેન્ટનો ઉલાળિયો કરી ભાજપમાં ભળી જતા નગરપાલિકા કોંગ્રેસ પાસેથી આંચકી ભાજપે સતા હાસિલ કરી લીધી હતી, જેથી કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલ જ્યંતિભાઈ રાંણવા પ્રમુખ તરીકે અને ઉપ પ્રમુખ તરીકે શકીલ સૈયદને બેસાડ્યા હતા. આજે પ્રથમ વખત નગરપાલિકાની સામાન્ય સભા મળતા તેમાં સતા પક્ષના ૨૪ અને કોંગ્રેસના વિરોધ પક્ષના ૧૮ સામે સતા પક્ષે સામાન્ય સભા પસાર કરેલ હતી જેમાં કુલ ૯૩ મુદ્દા પૈકી અમુક મુદ્દા જેવાકે પાણી વેરો,સફાઈ વેરો,સ્ટ્રીટ લાઈટ વિગેરે જેવા એજેન્ડામાં પ્રજા ઉપર વેરો વધુ લાદવા જણાવાયેલ હોઈ તેથી આ મુદ્દાને લઇ કોંગેસના સદસ્યોએ ચર્ચા વિમર્શ કરવા જણાવેલ હતું.
પરંતુ આ મુદ્દે સતા પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે ઉગ્ર વાતવરણ સર્જાતા મામલો બિચક્યો હતો અને કોંગ્રેસના સદસ્યોએ પ્રમુખ જ્યંતીભાઈ રાંણવા તેમજ ચીફ ઓફિસર હુણ સહિત નાગરપાલિકના કર્મચારીઓએ ઉપર છૂટા ખુરશીઓના ઘા કરવામાં આવતા સામાન્ય સભામાં નાસભાગ મચી જવા પામી હતી. આ બનાવ બાદ નગરપાલિકા પ્રમુખ જ્યંતિભાઈ રાંણવા તેમજ અન્ય તેમના સભ્યો પોલીસ સ્ટેશન દોડી ગયેલ હતા અને કોંગ્રેસના સદસ્યો સંદીપ ધાનાણી, પાતંજલ કાબરિયા, હંસાબેન જોશી, માધવીબેન જોશી તેમજ નાનભાઈ બિલખિયા અને ઇકબાલભાઇ બિલખિયા સહિતના સામે હુમલો કરવાની લેખિતમાં ફરિયાદ આપી હતી નગરપાલિકા સતાધારી પક્ષ ભાજપ દ્વારા પ્રથમ સામાન્ય સભામાંજ હોબાળો મચી જતા ભારે ચકચાર જાગેલ હતો.
પ્રમુખ જ્યંતિભાઈ એ લેખિતમાં હુમલો કરવાની તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ આપતા મોડી સાંજે સીટી પોલીસ દ્વારા ફરિયાદ રેકડ ઉપર નોંધવા તજવીજ હાથ ધરી હોવાની પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે આ ફરિયાદ માં કોંગ્રેસના આંઠ જેટલા સદસ્યો સામે ફરિયાદ નોંધાઈ રહી હોવાનું જાણવા મળી રહયું છે અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલે ફરિયાદ ના કરવા અનેક સમાધાન કરવાના પ્રયત્નો પણ થયેલ હતા.
અમરેલી પાલિકાના કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી ગયા
ચીફ ઓફિસર તેમજ કર્મચારીઓ ઉપર ખુરશીઓના છૂટા ઘા થતા નગરપલિકાના તમામ શાખાના કર્મચારીઓ વીજળીક હડતાલ ઉપર ઉતરી ગયેલ હતા અને તમામ કામગીરીથી અળગા રહી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી સલામતી માટેની માંગ કરવા દોડી ગયા હતા.
વિરોધ પક્ષની ૪ મહિલા સદસ્યોને ઇજા
અમરેલી નગરપલિકાના આજની સામાન્ય સભામાં થયેલ છુટા ખુરશીના ઘા કરવાના બનાવમાં કોંગ્રેસની ૪ મહિલા સદસ્યાને ઇજા થતા સારવારમાં ખસડેલ હતી. ઇજા પામનાર મહિલા સદસ્યામાં જસુબેન ચંદુભાઈ બારૈયા વોર્ડ નં- ૪ તેમજ બાલુબેન દિનેશભાઇ પરમાર વોર્ડ નં-૯ અને સમીનાબેન અલ્તાફભાઈ સંધાર વોર્ડ નં-૧ તથા રીટાબેન કૌશિકભાઈ ટાંક વોર્ડ નં-૧૧ને હાથ પગ અને શરીરે ઇજા થવા પામી હતી.