ભાવનગર,તા.પ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેલકૂદ ક્ષેત્રના લોકો અને ખેલાડીઓ ‘મેં નહીં, હમ’ના ટીમ સ્પીરીટથી ખેલ ભાવનાને આગળ વધે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.
ભાવનગર ખાતે યોજાયેલ ખેલ મહાકૂંભ-ર૦૧૮ના સમાપન સમારંભમાં તેમણે જણાવ્યું કે, ખેલ મહાકુંભથી ‘નો વનથી વી-વીન’ સુધીની સ્થિતિ ગુજરાતે મેળવી છે.
મુખ્યમંત્રીએ રૂા.રપ.પ૦ કરોડના ખર્ચે નવનિર્મત સ્પોર્ટસ સંકુલ અને મલ્ટી પર્પઝ ઈન્ડોર હોલનું લોકાર્પણ કર્યું હતું. તેમણે ભાવનગર રમત ગમત ક્ષેત્રમાં નામાંકિત ખેલાડીઓ કિરીટભાઈ ઓઝા, અશોક પટેલ, પથિક મહેતા, હરપાલસિંહ વાઘેલાને આ અવસરે યાદ કરી ખેલકૂદમાં તેમણે આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ર૦૧૦માં શરૂ કરાવેલ ખેલ મહાકૂંભને લીધે સરીતા ગાયકવાડ, હરમીત દેસાઈ, અંકિતા રૈના જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ગુજરાતને પ્રાપ્ત થયા છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ ખેલપ્રતિભા પુરસ્કારથી સન્માનિત ખેલાડીઓ, શક્તિતદૂત ખેલાડીઓ તથા રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શાળા/ખેલાડીઓનું ચેક તથા પ્રશસ્તિ પત્ર આપી સન્માન કર્યું હતું.
મુખ્યમંત્રીએ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તૈયાર કરાયેલ વિશેષાંક “ખેલ દર્પણ ગુજરાત”નું વિમોચન કર્યું હતું.
પોરબંદર વિરૂદ્ધ ભાવનગર વચ્ચેની સિનિયર સિટીઝન વચ્ચેની મહિલા રસ્તાખેંચને મુખ્યમંત્રીએ ટોસ ઉછાળી શુભારંભ કર્યો હતો.
ભાવનગરના ધારાસભ્ય અને સિનિયર બાસ્કેટ બોલ નેશનલ ચેમ્પિયનશીપનાં ઓર્ગેનાઈઝીંગ ચેરમેન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ૩૦ રાજ્યોના ૯૩૦ જેટલા ખેલાડીઓ બાસ્કેટ બોલ ચેમ્પિયનશીપમાં ભાગ લઈ રહ્યા છે. તે રીતે સમગ્ર દેશ દૂધમાં સાકર ભળી જાય તે રીતે રમતમાં ઓતપ્રોત બની ગયા છે.
રાજ્યકક્ષાના રમત ગમત મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ખેલકુદનું વાતાવરણ જન્મે તે માટે ચાલું વર્ષે ૯પર ઈવેન્ટમાં ૩પ લાખ લોકોએ ભાગ લીધો છે. વિવિધ રમતમાં વિજેતા ખેલાડીઓને રૂા.૪૦ કરોડની ઈનામી રાશી ચાલું વર્ષે આપવામાં આવશે.
દિવ્યાંગ ખેલાડીઓએ પણ આ ખેલમહાકુંભમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, એક જ જગ્યાએ અનેક ખેલાડીઓ ભેગા થઈ પોતાની ખેલ પ્રતિભા બતાવે છે. તે માટે ખેલના આ મહોત્સવને ખેલ મહાકુંભ તરીકે ઓળખવામાં આવે છે.
ભારત સરકારના ખેલ મંત્રાલયના સચિવ રાહુલ ભટ્ટનાગરે જણાવ્યું કે, ગુજરાત આગામી સમયમાં ખેલક્ષેત્રે અગ્રણી રાજ્ય બની રહેશે.
જાણીતા હોકી ખેલાડી ધનરાજ પિલ્લાઈએ જણાવ્યું કે, હું છેલ્લા પ વર્ષથી ગુજરાતમાં હોકી ખેલાડીઓને તૈયાર કરવાનું કાર્ય કરી રહ્યો છું.
રમત ગમત વિભાગના સચિવ પી.પી.પટેલે જણાવ્યું હતું કે, લોકોમાં ખેલકુદ પ્રત્યે અભિરૂચી વધારી, તંદુરસ્તી વધારવા સાથે તંદુરસ્ત ગુજરાતના નિર્માણ કર્તા માટે ખેલ મહાકુંભનું આયોજન ગુજરાતમાં વર્ષ ર૦૧૬થી કરવામાં આવે છે.