(એજન્સી) તા.૧પ
ચીને શુક્રવારે ફરી એકવાર જૈશ-એ-મોહંમદના વડા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સંઘ(યુ.એન.)માં કરેલી અપીલને સમર્થન આપવાનો ઈન્કાર કર્યો હતો. ચીનની આ અવળચંડાઈ પુલવામા ભયાવહ આતંકવાદી હુમલા પછી પણ યથાવત છે. ઉલ્લેખનીય છે કે ૪૦થી વધુ સીઆરપીએફ જવાનોનો ભોગ લેનારા આ હુમલાની જવાબદારી જૈશ-એ-મોહંમદે સ્વીકારી હતી. પુલવામાના હુમલા ઉપરાંત અઝહર પર ભારતમાં સંખ્યાબંધ આતંકવાદી હુમલા કરાવવાનો આક્ષેપ છે, જેમાં ર૦૧૬માં કાશ્મીરના ઉરીમાં આવેલા સૈન્ય કેમ્પ પરનો હુમલો અને પઠાણકોટ એરબેઝ પર થયેલો હુમલો સામેલ છે. આ ઉપરાંત ભારતની સંસદ પર થયેલો હુમલો અને ર૦૦૧માં શ્રીનગરની વિધાનસભામાં થયેલા વિસ્ફોટ બદલ પણ અઝહરને જવાબદાર માનવામાં આવે છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ પુલવામા હુમલા પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ હુમલાથી અમને ખૂબ જ આઘાત લાગ્યો, અને શહીદ થનાર અને ઘાયલ થનાર લોકોના પરિવાર પ્રત્યે આશ્વાસન અને સહાનુભૂતિ વ્યકત કરીએ છીએ. જો કે બેઈજિંગે મસૂદ અઝહરના મુદ્દે ભારતને સમર્થન આપવાની ના પાડી હતી. ઉલ્લેખનીય છે કે મસૂદ અઝહરને યુએનની આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવાના અમેરિકા, ફ્રાન્સ અને યુ.કે.ના પ્રયત્નને ચીને નવેમ્બરમાં ચોથી વખત અવરોધ્યો હતો. નોંધનીય છે કે ચીન યુએનની સુરક્ષા સમિતિમાં વીટો પાવર ધરાવે છે.