(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.ર૮
એક રાષ્ટ્રીય હિન્દી ન્યુઝ ચેનલના એન્કર દ્વારા ડિબેટમાં હઝરત મોહંમદ પયગંબર સાહેબ (સ.અ.વ.) તેમની પત્ની, પુત્રી તથા હઝરત ઈશા (અ.સ.) વિશે અભદ્ર ટિપ્પણી કરાતા આજે ધોળકા ખાતે સમસ્ત મોમીન સમાજ ધોળકા દ્વારા ધોળકા તાલુકા સેવાસદન પાસે વિરોધ પ્રદર્શન કરી પ્રાંત અધિકારી ધવલ જાનીને એક આવેદન પાઠવી જવાબદાર ન્યુઝ એન્કર વિરૂદ્ધ સખત કાયદાકીય પગલાં ભરવાની માગણી કરી છે.આ આવેદનપત્રમાં જણાવાયું છે કે, ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મોહમ્મદ (સ.અ.વ.) સાહેબની પુત્રી હઝરત ફાતેમા (રદી.) વિશે આઘાતજનક ચેનલમાં તેમના રિપોર્ટર રોહિત સરદાના દ્વારા તેમની ટીવી ચેનલની ડીબેટમાં અભદ્ર શબ્દોનો પ્રયોગ કરેલ છે. રોહિત સરદાના ટ્‌વીટર એકાઉન્ટમાં પણ તેને ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મોહમ્મદ (સ.અ.વ.) સાહેબની પુત્રી હઝરત ફાતેમા (રદી.) વિશે, તેમની પત્ની હઝરત આઈશા (રદી.) તથા હઝરત ઈશા પયગમ્બર સાહેબની માતા હઝરત મરિયમ (રદી.) કે જેઓ મુસ્લિમોની પવિત્ર હસ્તીઓ છે, તેમની આ પવિત્ર અને મહાન વ્યક્તિઓ કે જેઓ મુસ્લિમ સમુદાયના આસ્થાના કેન્દ્રબિંદું છે તેમના વિશે અભદ્ર ભાષામાં ઉલ્લેખ કરી લખાણ કરેલ છે અને મુસ્લિમ સમુદાયની ધાર્મિક ભાવનાઓને ભડકાવવાનો પ્રયત્ન કરેલ છે. મુસ્લિમ સમાજની લાગણી દુભાયેલ છે. ધોળકાના તમામ મુસ્લિમ સમુદાય વતી આપની પાસે અમો આ આવેદનપત્ર આપીને માગણી કરીએ છીએ કે આજતક ટીવી ચેનલના રિપોર્ટર રોહિત સરદાના તથા તેની સાથેની અન્ય રિપોર્ટર અંજના ઓમ કસ્યપની વિરૂદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે. તેઓને પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના માધ્યમથી આ રિપોર્ટર ઉપર કાયમી પ્રકારનો પ્રતિબંધ મૂકવામાં આવે તેમજ આ રિપોર્ટર વિરુદ્ધ મુસ્લિમ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કૃત્ય કરેલ હોય તેથી તેમની સામે કાયદાની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માગણી છે. આ આવેદનપત્ર આપતી વેળા ડો.અખ્તરહુસેન મોમીન, શબ્બીરઅલી લોટીવાલા, જાફર સર, અકબરભાઈ માસ્ટર, ઈમ્તિયાઝભાઈ કોઠીવાલા, મહંમદઅલી દૂધવાળા ખાસ હાજર રહ્યા હતા.