(એજન્સી) બેંગ્લુરૂ, તા.ર૪
ગુરૂવારે મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભગવા પક્ષના નેતાઓ પર કોંગ્રેસ-જેડી(એસ) ગઠબંધન અંગે ટીકા-ટિપ્પણીઓમાં સમય વેડફવાનો આરોપ મૂક્યો હતો. ભાજપે કોંગ્રેસ-જેડી(એસ) ગઠબંધન પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, આ એક અપવિત્ર ગઠબંધન છે. બુધવારે ભાજપના રાજ્યપ્રમુખ બી.એસ. યેદિયુરપ્પાએ અને ભાજપા નેતાઓએ કુમારસ્વામીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા તે પહેલાં રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. કુમાર સ્વામીએ અહીં પત્રકારોને જણાવ્યું કે, ભાજપા નેતાઓએ ટીકા-ટિપ્પણીઓ કરવાનું બંધ કરવું જોઈએ. કારણ કે તેમનો સમય માત્ર અમારી ટીકા કરવા પાછળ જ વેડફાઈ રહ્યો છે. કુમારસ્વામીએ પટ્ટનાયકાહલ્લી નંજાધૂતા સ્વામીના આશીર્વાદ માંગ્યા અને ત્યારબાદ તેમણે અધિચૌન ચાંનાગિરી મુત્ર અને સિદ્ધાગંગા મુત્ત તુમાકુરુ સાથે મુલાકાત કરી. નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી તેમના પિતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાને તેમના પદ્મનાભનગર ખાતે આવેલા આવાસ પર મળ્યા. આજે મુખ્યમંત્રી બન્યા બાદ હું તેમને પહેલીવાર મળી રહ્યો છું. અમે ઘણા બધા મુદ્દાઓ અંગે ચર્ચા કરી. તેમણે મને કેટલીક રાજકીય સલાહો આપી અને કર્ણાટકને વિકાસના પંથે કેવી રીતે આગળ ધપાવવું તે અંગે પણ તેમણે મને સલાહ આપી તેમ કુમારસ્વામીએ જણાવ્યું. ખેડૂતોને લોન પર છૂટ આપવી અને ચૂંટણી અગાઉ તેમણે જેટલા વચનો આપ્યા છે તે અંગે કુમારસ્વામીએ કહ્યું કે તે તેમની પ્રાથમિકતા છે અને તે અંગે કોઈ જ શંકા નથી. લોન અંગે છૂટ આપવાની જાહેરાત હું ટૂંક સમયમાં જ કોંગ્રેસી નેતાઓ સાથે ચર્ચા કરીને કરીશ.