(એજન્સી) નવી દિલ્હી, તા.૬
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર અને કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે ગુરૂવારે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા પાસે ૬ ડિસેમ્બરના રોજ પત્રકાર પરિષદમાં કરેલ ટિપ્પણીઓ બદલ માફીની માગણી કરી હતી. માફી ન માંગવા પર કોંગ્રેસ નેતાએ કાયદાકીય કાર્યવાહીની ચીમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે, સંબિત પાત્રાએ પત્રકાર પરિષદમાં આરોપ મૂક્યો હતો કે સંદીપ દીક્ષિતને કોંગ્રેસમાંથી બરતરફ કરવામાં આવી પરત લેવામાં આવ્યા હતા. સંદીપે આ આરોપને નકારતા ભાજપ પ્રવક્તાને માફી માંગવા ર૪ કલાકનો સમય આપ્યો છે. પાત્રાએ કોંગ્રેસ પક્ષ મિશેલના બચાવમાં હોવાનો પણ આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે જોસેફને પક્ષમાંથી દૂર કરવા આ એક નાટક છે. આ નાટક મણિશંકર ઐયરના સમયે પણ જોયું હતું અને સંદીપ દીક્ષિત સંબંધે પણ. કોંગ્રેસ ચૂંટણી બાદ નેતાઓને બરતરફ કરી સચિવોની નિયુક્તિ સમયે બઢતી આપે છે.